ગાંધીનગર :ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જાહેર પરીક્ષાના પેપરો ફુટી ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે આ ઘટનાઓના પરિણામે ઉમેદવારોને પણ હેરાન થવાનો વારો આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને સીનીયર ક્લાર્ક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ તમામ પરીક્ષાઓ હવે બે તબક્કામાં લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા પદ્ધતિ મુદ્દે ETV પ્રથમ અહેવાલ રજૂ કર્યો હતો.
બે તબક્કામાં યોજાશે પરીક્ષા :રાજ્ય સરકારે પરીક્ષાના નિયમો જાહેર કરતા જણાવ્યું હતું કે, બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે. આમ પ્રાથમિક પરીક્ષા એલિમિનેશન પ્રકારની પરીક્ષા રહેશે અને પ્રિલિમિનરી પરીક્ષાના ગુણના આધારે જાહેરાત મુજબની જગ્યાઓના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે. ઉપરાંત જે તે સંવર્ગ અને કચેરીની પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણને ધ્યાનમાં રાખતા મેરીટ કમ પ્રેફરન્સના આધારે થશે.
બે જૂથમાં પરીક્ષા : આમ પરીક્ષા પદ્ધતિને અનુલક્ષીને ક્લાર્ક સંવર્ગને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ-એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ અને જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. ગ્રુપ-બીમાં જિલ્લા કલેક્ટર કચેરી સિવાયના ખાતાના વડાની કચેરીના જુનિયર કારકૂનનો સમાવેશ થાય છે.