ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે

રાજ્ય સરકારે તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાયો હતો. આ બેઠક મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી હતી.

રાજ્ય સરકારે તમામ સિવીલ હોસ્પીટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે
રાજ્ય સરકારે તમામ સિવીલ હોસ્પીટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે

By

Published : May 8, 2021, 10:14 PM IST

  • રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસના 100થી વધુ કેસો નોંધાયા
  • અમદાવાદ સિવિલમાં 120 બેડ તૈયાર કરવામાં આવ્યા
  • રાજ્ય સરકારે B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર અપાયો

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યપ્રધાન નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસના વધી રહેલા વ્યાપ અંગે સમીક્ષા બાદ તમામ સિવિલ હોસ્પિટલોમાં નવા વોર્ડ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજ્જતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઉભી કરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…

મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર અપાયો

રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઇકોસીસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના 100થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અગમચેતીના ભાગરૂપે મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે રૂપિયા 3.12 કરોડના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે. મ્યુકોમાયરોસીસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે.

મ્યુકોમાયરોસીસના કેસો નોંધાતા અમદાવાદ સિવિલમાં બેડ વધારાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે. આ ઉપરાંત, 19 જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. મ્યુકોરમાઇકોસીસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દૂર કરવા પડે છે. મુખ્યપ્રધાને આ મ્યુકોરમાઇકોસીસ રોગની અસર તેમજ સારવારનું માર્ગદર્શન રાજ્યના વરિષ્ઠ તજજ્ઞ તબીબો દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાઓ માટે પણ આરોગ્ય વિભાગને સૂચવ્યું હતું.

રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા વ્યક્તિમાં ફૂગ હાવી થઈ જાય છે

મ્યુકોરમાઇકોસીસ ફૂગ જીવસૃષ્ટિમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોરમાઇકોસીસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોરમાઇકોસીસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી-ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોરમાઇકોસીસ રોગ થવાની સંભાવના વધુ છે.

આ પણ વાંચો:ડાયાબિટીસ ધરાવતાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યું છે મ્યુકોરમાઈકોસીસ

મ્યુકરમાકોસિસ રોગના આ છે લક્ષણો

આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે એક બાજુનો ચહેરો સુજી જવો માથાનો દુઃખાવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી, તાવ, કફ , છાતીમાં દુઃખાવો શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો, ઉબકા આવવા કે ઉલટી થવી આંતરડામાં રક્તસ્ત્રાવ થવો જેવા લક્ષણો જોવા મળે છે. મ્યુકોરમાઇકોસીસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details