- તૌકતે વાવાઝોડાની દહેશત વચ્ચે રાજ્ય સરકારનો હુકમ
- આરોગ્ય વિભાગના કર્મીઓની રજા રદ્દ, દેખાવો પર પ્રતિબંધ
- હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી થશે
ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારી તથા તૌકતે વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાલ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ હુકમનો ભંગ કરનારા સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો -તૌકતે વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થવા દઈએ, 1.5 લાખ લોકોને દરિયા કિનારેથી ખસેડાશે: મુખ્યપ્રધાન વિજય રૂપાણી
હડતાલ નહીં, કામમાં જોડાવો
આવા કપરા સમયમા આરોગ્ય વિભાગ હેઠળના જુદા જુદા વર્ગ-1થી વર્ગ-4 સુધીના સંવર્ગો જેવા કે તજજ્ઞો, તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સિગ સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓ તેમની જુદી જુદી માંગણીઓ કરી હડતાલ પર જઇ રહ્યા છે અને કેટલાકે હડતાલ પર જવાની ચીમકી આપીને માનવીય સેવામા વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો -મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ જુદા-જુદા ફેઝમાં તૈયાર થશે, દર્દીની ડેડ બોડી લઇ જવા ગેટ બનાવાયો
તમામ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી સૂચના
આરોગ્ય વિભાગની આવશ્યક આરોગ્ય સેવાઓ નાગરિકોને સત્વરે મળી રહે, તે માટે આરોગ્ય વિભાગના વર્ગ - 1થી વર્ગ - 4ના સંવર્ગના તજજ્ઞો, તબીબો , પેરામેડીકલ સ્ટાફ, નર્સિગ સ્ટાફ અને વર્ગ - 4ના કર્મચારીઓ , નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત સેવાઓ આપતા તમામ વ્યકિતઓ તથા અન્ય તમામ કે જેમને કોવિડ 19ની તથા અન્ય જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે. તેમને દ્વારા આરોગ્ય સેવાઓ વિક્ષેપ વગર આપવાની રહેશે. આ માટે કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરવા સબંધિત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.