ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદનું નામોનિશાન નથી. ત્યારે હવે ગુજરાત સરકારે પણ રાજ્યમાં વરસાદ ખેંચાયો હોવાનું સ્વીકાર્યું છે. છેલ્લે જુલાઈ માસમાં સારો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વરસાદ નોંધાયો ન હોવાનું નિવેદન પણ રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ પણ માન્યું છે. આ સમય દરમિયાન ખેડૂતોના ઉભા પાકને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા વીજળી અને સિંચાઈના પાણી બાબતે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.
સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય :રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ખેડૂતોના ઉભા પાકને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂત સમયસર ઉભા પાકને નિયત પ્રમાણમાં પાણી આપી શકે તે માટે ગુજરાતના ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે 1 સપ્ટેમ્બર પહેલા જ 10 કલાક વીજળી આપવાની નિર્ણય લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કનુભાઈ દેસાઈએ કરી છે. જ્યારે ચોમાસાની સિઝનમાં ખેડૂતોને વીજળી વપરાશ ખૂબ ઓછો હોય છે. આ નિર્ણય રાજ્યના 14 જિલ્લાના 20.28 લાખ ખેતી જોડાણ ધરાવતા 12 લાખ ખેડૂતોને લાભ મળશે.
વીજળી માંગ વધી :ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં આ વર્ષે 70 થી 80 ટકા જ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જુલાઈ માસમાં 9,170 મેગાવોટ વીજળીનો ઉપયોગ થયો હોવાની માહિતી કનુભાઈ દેસાઈએ કર્યો હતો. છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2018- 19 માં 4000 મેગાવોટ, 2021-22 માં 6300 મેગાવોટ અને 2022-23 માં 9170 મેગાવોટ વીજળીની માંગ વધી છે. જ્યારે ડાંગર, કપાસ અને મગફળીના પાકને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને કચ્છ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, ખેડા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને જામનગર જિલ્લામાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.