ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે 22મી સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠક મળી. જેમાં રાજ્યના વનવિસ્તારો, અભ્યારણો, ડુંગર વિસ્તારોમાં પાકા માર્ગો, નાળા-પુલો પહોળા કરવો, 66 કેવી સબ સ્ટેશન જેવી સુવિધાઓ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
વનવિસ્તારોમાં સુવિધા ઊભી કરાશેઃ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની આ ૨૨મી બેઠકમાં રાજ્યના ગીર, જાંબુઘોડા, પૂર્ણા, જેસોર, નારાયણ સરોવર, કચ્છ અભ્યારણ્ય સહિતના અભ્યારણ્યમાં હયાત કાચા રસ્તા, નાળા-પૂલીયાને પહોળા કરવા કે મરામત કરાવા તેમજ ૬૬ KV સબ સ્ટેશન અને વીજ લાઈન તેમજ IOCની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન, જેવી દરખાસ્તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨૯ની જોગવાઈઓ ધ્યાને રાખીને મંજૂર કરવામાં આવી હતી.
દરખાસ્તો નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફમાં મોકલાશેઃ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આવી દરખાસ્તો સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ભલામણ મેળવીને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ મોકલવી જરૂરી હોવાથી વન વિભાગ હવે આ દરખાસ્તને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફમાં મોકલશે તેવું પણ બેઠકમાં નક્કી થયું હતું.
વન્ય અભ્યારણ્ય વિસ્તારોમાં રેલ્વે લાઈન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવા પ્રોજેક્ટથી થતી પર્યાવરણીય અસરો વિષયક અભ્યાસ થવો જોઈએ...ભુપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન, ગુજરાત)
જિલ્લા કલેક્ટરને કાર્યવાહીની સત્તાઃ રાજ્યમાં સુધારેલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨નો તા.૦૧ એપ્રિલ ૨૦૨૩થી અમલ કરવામાં આવે છે તે અંગેની વિસ્તૃત વિગતો અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવે આ બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. કલમ ૨૫-A અનુસાર જમીન સંપાદન, પૂનર્વસન અને પુન:સ્થાપન અધિનિયમ-૨૦૧૩માં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર અન્વયે કાર્યવાહી કરવાની સત્તાઓ જિલ્લા કલેકટરને આપવામાં આવી છે.
દર પાંચ વર્ષે પ્રાણીઓની સંખ્યા રજૂ કરાય છેઃ વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનના ભાગરૂપે વન વિભાગ દ્વારા સામાન્યતઃ દર પાંચ વર્ષે રાજ્યમાં વન્ય પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવામાં આવે છે. આ સંદર્ભમાં થયેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ ડોલ્ફિન, રીંછ, ગીધ, વરુ, ઝરખ, ચિત્તલ અને નીલગાય જેવા પ્રાણીઓની વસ્તીમાં થયેલ વૃદ્ધિની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોઃ આ બેઠકમાં ધારાસભ્ય અને બોર્ડના સભ્ય શ્રી મહેશ કસવાલા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, DGP શ્રી વિકાસ સહાય, વન પર્યાવરણના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ચતુર્વેદી, વિભાગોના સચિવશ્રીઓ, શ્રી ધનરાજ નથવાણી સહિતના બોર્ડના માનદ સભ્યો અને વરિષ્ઠ વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે હાઈલેવલ બેઠક યોજી, તમામ પરિવારજનોને જલ્દી ન્યાય મળશે- હર્ષ સંઘવી
- Gujarat Cabinet Meeting: 206 જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો, 161 ચેકડેમના કામ પ્રગતિ હેઠળ