ગાંધીનગર: બોર્ડની પરીક્ષા બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10ની જો વાત કરવામાં આવે તો દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં હાજરી આપશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જ્યારે કોઈપણ કેન્દ્રમાં ચોરી ન થાય તે માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
બોર્ડની પરીક્ષા શરૂ, શિક્ષણ પ્રધાને ગુલાબના ફૂલ સાથે વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા - આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ગાંધીનગરમાં આવેલ કડી કેમ્પસની શેઠ.સી.એમ હાઇસ્કૂલમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં જતા હતા. તે દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને હાથમાં ગુલાબ આપીને અને સાકરથી મોઢું મીઠું કરાવીને પરીક્ષાની શુભેચ્છાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જેલમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પ્રજ્ઞચક્ષુ છે. તેઓ માટે પણ બ્રેઇલ લિપિની પદ્ધતિ તેઓ પરીક્ષા આપી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શાંતિથી યોજાય તે માટે તમામ પ્રકારના આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે.
આજથી શરૂ થતી પરીક્ષામાં ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.43 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. રાજ્યમાં જ્યારે સમગ્ર વિસ્તારમાં શહેરોમાં અને તમામ સેન્ટરોમાં પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે તેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ કરવા માટે ગાંધીનગર ખાતે પણ ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમામ સેન્ટર્સ અને CCTVથી જોડીને તમામનું મોનીટરીંગ ગાંધીનગરથી પણ કરવામાં આવશે.