ગાંધીનગર:રાજ્ય સરકારે વર્ષ 2022-23 ના બજેટમાં સ્પોર્ટ્સ માટે પણ 517 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરી હતી. જેમાં વલસાડ, ગીર-સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે 47 કરોડ જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ(ડી.એલ.એસ.એસ.)માં 39 શાળાઓના અંદાજે 4350 વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા 43 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. સુરતમાં 5 કરોડના ખર્ચે આંતરરા્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
કયા જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત થયા: અમદાવાદના ખોખરા અને નરોડા, અમરેલી, આણંદ, બનાસકાંઠાના પાલનપુર, ભાવનગર, દાહોદના દેવગઢ બારિયા, ડાંગના સાપુતારા, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, નર્મદાના રાજપીપળા, પંચમહાલના ગોધરા, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠાના હિંમતનગર, સુરેન્દ્રનગર, બરોડાના વાઘોડિયા ખાતે અત્યાર સુધીમાં સ્પોર્ટ્સ સંકુલ બની ચુક્યા છે.
જીલ્લા અને તાલુકા સ્પોર્ટ્સ સંકુલની કામગીરી પુરજોશમાં:જિલ્લા કક્ષાની વાત કરવામાં આવે તો અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, નવસારી, ભરૂચ અને બોટાદ જિલ્લામાં સ્પોર્ટ સંકુલ માટેના કામગીરી પણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે સુરતના ભીમરાડ ખાતે આયોજન કરવામાં આવેલ સ્પોર્ટ સંકુલની જમીનનું પણ આઈડેન્ટિફિકેશન સાથે જમીન સંપાદનની કામગીરી શરૂ છે. આમ કુલ 35 જેટલા જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવશે. જેમાં અત્યારે 21 સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત છે. એક સ્પોર્ટ્સ સંકુલ કે જે તાપી વ્યારામાં તૈયાર થઈ રહ્યું છે. સમગ્ર બાબતે રાજયકક્ષાના રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તમામ જિલ્લા અને તાલુકામાં યુવાઓને રમત ગમત ક્ષેત્રે તૈયાર કરવા માટે વિશ્વ કક્ષાના સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખેલ મહાકુંભ અને ઓલમ્પિકમાં ગુજરાતના યુવાઓનું નેતૃત્વ વધશે.