ગાંધીનગર: ગુજરાતના વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતની જાણ થતાં તેમને સહી-સલામત પરત લાવવા માટે ગુજરાત સરકારે વિદેશ પ્રધાન એસ જયશંકરને વિશેષ વિમાન મોકલવા વિનંતી કરી છે.
કોરોના વાયરસને કારણે ફસાયેલા વિદ્યાર્થીઓને ખાસ વિમાન મોકલી ફિલિપાઈન્સથી પરત લવાશેઃ નીતિન પટેલ - મુખ્ય સચિવ
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈને વિશ્વ ચિંતિત છે, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ફસાયા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત પરત લાવવા માટે ગુજરાત સરકારે વિદેશ પ્રધાન એસ. જયશંકરને વિશેષ વિમાન મોકલવા વિનંતી કરી છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતીન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, "ફિલિપાઈન્સમાં ગુજરાતીના વિદ્યાર્થીઓ ફસાયા છે. ફિલિપાઈન્સ દેશમાં કોરોના વાયરસ દિવસેને દિવસે ફેલાઈ રહ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. આ ફસાયેલા વિદ્યાર્થીઓમાં મહેસાણાનો એક વિદ્યાર્થી સામેલ છે. જેના વાલી સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. આવા અનેક વિદ્યાર્થીઓ જે વિદેશમાં ફસાયેલા છે. તેમને પરત લાવવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે."
નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ફિલિપાઈન્સમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે રાજ્યના મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરવાની સૂચના આપી છે. જ્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકરે વિશેષ વિમાન મોકલવા તૈયારી કરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સરકારના સંપર્કમાં છે. તેમને તરત જ વ્યવસ્થા મળે તેવા પ્રયાસ સરકાર કરી રહી છે."