આ પ્રશ્ન સામે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધાનગૃહના નેતા તરીકે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન હાજર હતા. આ ઉપરાંત સભામાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ રાજ્યના વિવિધ જિલ્લાઓ, કોર્પોરેશન હસ્તકની જમીનો તથા ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષ-1971 પહેલાંનો કબ્જો ધરાવતા જમીન ધારકોને તે જમીન/જગ્યા કબ્જા ધારકને નામે કરી આપવાના પ્રશ્નના જવાબની ચર્ચા કરી ત્યારે પણ હાજર હતા.
મુખ્યપ્રધાનએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબ્જે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં છેલ્લા 3 વર્ષથી ધરમૂળથી ફેરફાર કર્યો છે.
આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસર પ્રક્રિયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. મુખ્યપ્રધાને આ સંદર્ભમાં પણ વિસ્તૃત અને મહત્વપૂર્ણ જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચૂકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત નથી.