અમદાવાદ :સમગ્ર વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જાયા બાદ ટેકનોલોજીના પરિણામે વ્યાપાર-ઉદ્યોગમાં અનેક ફેરફારો થયા છે. ગુજરાતની યુવા પેઢી અદ્યતન ટેકનોલોજી સાથે અપડેટ રહી પોતાની આવડતનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય સરકારે અનેક નવતર પહેલ શરૂ કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે છેલ્લા બે દસકા દરમિયાન અનેક ઉદ્યોગ ગુજરાતમાં આવ્યા અને ગુજરાતની સ્કિલ ઇકોસિસ્ટમમાં ધરખમ ફેરફારો થયા છે.
સ્કિલ ઇકોસીસ્ટમનું નિર્માણ : ગુજરાત સરકારે હરહંમેશ યુવાનોના કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂક્યો અને તેમની બુદ્ધિ, પ્રતિભા અને ક્ષમતાને તક મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. ગુજરાતના યુવાનોને વિવિધ યોજનાઓ અંતર્ગત ન્યૂ એઈજ સ્કિલમાં તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે ખરા અર્થમાં નવીન સ્કિલ ઇકોસીસ્ટમ વિકસાવી છે.
- મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY)
વિકાસના નવા માર્ગ અને નોકરીઓના બદલાતા પ્રકાર માટે ગુજરાતના યુવાનોને જરૂરી કૌશલ્યથી સજ્જ કરવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY) અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ હેલ્થકેર, ઓટોમોટિવ, ગ્રીન જોબ્સ, IT-ITeS, ડ્રોન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, ટેલિકોમ વગેરે જેવા મુખ્ય ક્ષેત્રોમાં 92 જેટલા નવા યુગના અભ્યાસક્રમની તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને MBKVY હેઠળ તાલીમ આપવામાં આવી છે.
- મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિએટિવ (MSDI)
રાજ્યમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને એકીકૃત કરવા મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિએટિવની જાહેરાત કરી હતી. MSDI નો પ્રાથમિક ઉદ્દેશ્ય રાજ્યના કૌશલ્ય માળખાનો મહત્તમ ઉપયોગ અને દર વર્ષે પાંચ લાખ ઉમેદવારોને તાલીમ આપવાનો છે. આ પ્રોગ્રામ અંતર્ગત ગતવર્ષ 2022-23 માં રાજ્યના વિવિધ વિભાગો દ્વારા 5.68 લાખથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.
- "કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી” (KSU)
ગુજરાતમાં "કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી” (KSU)ની સ્થાપનાથી શિક્ષણ અને રોજગારીના નવા યુગની શરૂઆત થઈ છે. કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ વચ્ચે સેતુરૂપ કામગીરી KSU કરે છે. KSU માં સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, સ્કૂલ ઓફ સાયન્સ-મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ ઓફ સર્વિસ, સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ અને સ્કૂલ ઓફ ડ્રોન્સ એમ છ વિદ્યાશાખા હેઠળ 100 થી વધુ અભ્યાસક્રમો કાર્યરત છે. આ ઉપરાંત KSU એ “ડ્રોન મંત્રા લેબ”ની પણ સ્થાપના કરી છે, જે ડ્રોન તાલીમ સાથે ડ્રોન ઉત્પાદનની તાલીમ આપે છે. KSU ની વિવિધ વિદ્યાશાખા હેઠળ હાલમાં 15 હજાર વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ઉપરાંત 9,640 વિદ્યાર્થીઓ સર્ટિફાઈડ થયા છે.
- મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના ઔદ્યોગિક એકમો માટે તેમના કુશળ કારીગરોની માંગને સંતોષવા અને યુવાનોને ઔદ્યોગિક વાતાવરણમાં તાલીમ આપવાનો એક વિશેષ કાર્યક્રમ છે. રાજ્યના એપ્રેન્ટીસ પોર્ટલ પર 32 હજારથી વધુ સંસ્થાઓની નોંધણી સાથે ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ છે. ગત વર્ષ 2022-23 માં રાજ્યના 1 લાખ 21 હજારથી વધુ યુવાનોએ એપ્રેન્ટિસ તરીકે જોડાઈને ઔદ્યોગિક વાતાવરણમાં તાલીમ મેળવી છે.
ગુજરાતના ગામડાઓ સુધી અને વંચિત જૂથને પણ સરળતાથી વિવિધ કૌશલ્ય તાલીમ આપી કૌશલ્યવાન બનાવી શકાય તે માટે રાજ્ય સરકારે સક્ષમ KVK 2.0 યોજના શરૂ કરી હતી. જે અંતર્ગત મહિલા, ટ્રાન્સજેન્ડર, દિવ્યાંગ, વયોવૃદ્ધ અને વંચિત નાગરિકોના જૂથને એક સ્થળે તાલીમ આપી શકાય તે માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં આજ સુધીમાં 2,100 જેટલા નાગરિકોને આ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી છે.
- ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને મેગા ITI
ગુજરાત પાસે દરેક તાલુકામાં એક ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) હોવાનો વિશેષ ફાયદો છે. હાલ ગુજરાતની કુલ 558 ITI દર વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ક્ષમતા ધરાવે છે. જેમાં 132 જેટલા ટ્રેડ્સમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. ઉભરતી ટેક્નોલોજીમાં આગોતરી તાલીમ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 41 નોડલ ITI ને ‘મેગા ITI’ તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ મેગા ITI માં 6 થી 8 સેક્ટોરલ સેન્ટર ઓફ એક્સેલન્સ હશે, જે ઉભરતી ટેક્નોલોજી અને અદ્યતન કૌશલ્યોની તાલીમ પ્રદાન કરશે.
- ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (GATI)
ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (GATI) પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર 4 સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) અને 8 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ (iToTs) ની સ્થાપના કરશે. જેમાં કુશળ, અનુભવી અને પ્રશિક્ષિત ટ્રેનર્સનો સમૂહ બનાવવા માટે નવીન ટેકનોલોજી અનુરૂપ તાલીમ અભ્યાસક્રમ ઓફર કરવામાં આવશે. GATI હેઠળ આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં માંગ આધારિત લાંબા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો વિકસાવવામાં આવશે.
- ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)
વિશ્વના સૌથી મોટા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેન્ટર સુરત ખાતે છેલ્લા 44 વર્ષથી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) કાર્યરત છે. જે દેશ-વિદેશમાં ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં ટેક્નોલોજી અને નવીનતા સાથે અવિરતપણે સેવાઓ પ્રદાન કરે છે. આ ઈન્સ્ટીટ્યૂટ ખાતે ડાયમંડ, જેમોલોજી અને જ્વેલરીમાં પ્રોફેશનલ કોર્સ ચલાવવામાં આવે છે.
- શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના
રાજ્યની યુવાપેઢીને કૌશલ્યવાન બનાવવા સરકારી ડિગ્રી ઈજનેરી અને પોલિટેકનીક કોલેજ ખાતે રોબોટીક્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરીંગ અંતર્ગત થ્રીડી પ્રિન્ટીંગ, કોડીંગ, આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, સેમિકન્ડક્ટર ડિઝાઇન એન્ડ એડવાન્સ વેરીફીકેશન, સાયબર ફીઝીકલ સીસ્ટમ અને ક્લાઉડ સર્વિસ જેવી ન્યૂ એજ ટેકનોલોજીને અનુરૂપ કૌશલ્ય નિર્માણ માટે સેન્ટર ઓફ એકસેલન્સ સ્થાપવામાં આવશે.
- Gift city of Gandhinagar: ગિફ્ટ સિટીમાં એશિયાની સૌથી મોટી કંપની થશે કાર્યરત, CM ભુપેન્દ્ર પટેલે CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું કર્યુ ભૂમિપૂજન
- વાઈબ્રન્ટ ગુજરાતને લઈને CMની ફાઇનલ બેઠક દિલ્હીમાં; 12 લાખ લોકોને રોજગારી આપશે: ઋષિકેશ પટેલ