ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રેય હોસ્પિટલ આગકાંડઃ મૃતક દીઠ 4 લાખની સહાય, કમિટી 3 દિવસમાં તપાસનો અહેવાલ આપશે

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે અચાનક આગ લાગી હતી, ત્યારે હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગના કારણે 8 દર્દીના મોત નિપજ્યા છે, આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગ લાગવાની ઘટના પર તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે તપાસ થાય તે રીતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના મેયર બીજલ પટેલને સંદેશો આપ્યો છે.

શ્રેય હોસ્પિટલ
શ્રેય હોસ્પિટલ

By

Published : Aug 6, 2020, 10:22 AM IST

Updated : Aug 6, 2020, 11:55 AM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, તેમજ હોસ્પિટલમાં ખાલી જગ્યા નથી. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ હોસ્પિટલના ICU વોર્ડમાં પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક આગ લાગી હતી. જેમાં 8 દર્દી આગમાં ભડથું થઇ ગયા હતાં.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને કારણે મોતને ભેટનારા લોકોના પરિવારમાં PM ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે હોસ્પિટલમાં આગને કારણે ઘાયલ થયેલા લોકોને દરેક 50,000 આપવામાં આવશે.

આ સમગ્ર ઘટના ઉપર રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઘટનાની તપાસ થાય તે માટે આદેશો આપ્યા છે. આ ઉપરાંત બનાવની તપાસ માટે રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરીને એક કમિટી બનાવી છે. જ્યારે આ સમગ્ર ઘટના કઇ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ ત્રણ દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતના અહેવાલ રાજ્ય સરકારને આપવા માટેની સુચનાઓ પણ બંને અગ્ર સચિવ અધિકારીઓને આપવામાં આવી છે.

શ્રેય હોસ્પિટલમાં મૃત્યુ પામનાર 8 દર્દીઓ પૈકી પાંચ પુરુષ અને ત્રણ મહિલા સહિત 8 દર્દીઓના મોત થયા અને 25 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક અહેવાલમાં સામે આવી રહ્યું છે. જ્યારે આ આગ શોટ સર્કિટને કારણે લાગી હોય તેવું પણ સામે આવી રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ આ અંગે હજી તપાસ કરી રહ્યું છે કે, આગ કેવી રીતે લાગી?

Last Updated : Aug 6, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details