ગાંધીનગરઃ કોરોનાની સ્થિતીમાં લોકડાઉન દરમિયાન ગુજરાતના વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે, ત્યારે ગુજરાતના વેપાર ઉદ્યોગને ફરી વેગ આપવા માટે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી છે. જેમાં 10 લાખથી વધુ લોકોને લાભ મળશે. જે સ્કીમ 21 મે ગુરુવારના રોજ શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. રૂપાણીએ રાજ્યના સહકારી બેકીંગ ક્ષેત્રના સૌ આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સીંગ સંવાદ કરીને ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં તેમના સહયોગને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
આત્મનિર્ભર ગુજરાત : સીએમ રૂપાણીએ સહકારી બેંકના ચેરમેન અને પ્રમુખો સાથે ચર્ચા કરી - આત્મનિર્ભર ગુજરાત : સીએમ રૂપાણીએ
ગુજરાતમાં લોકડાઉનને કારણે અનેક વેપારીઓની રોજગારી અને ધંધો પડી ભાંગ્યો છે, ત્યારે ગુજરાતના નાના વેપારીઓની રોજગારી અને ધંધાને ફરીથી પગભર કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરી છે. જેને લઈને આજે સીએમ રૂપાણીએ ગુજરાત અર્બન કોર્પોરેટીવ બેન્ક ફેડરેશનના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતા અને જીએસસી બેન્ક ચેરમેન અજય પટેલ સાથે વિડિઓ કોન્ફરન્સથી ચર્ચા કરી હતી.
સીએમ વિજય રૂપાણીએ રાજ્યની જિલ્લા સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝના પદાધિકારીઓને ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં સક્રિય સહભાગીતાથી નાના માણસો, નાના-છૂટક ધંધા વ્યવસાયકારોની સ્થગિત થઇ ગયેલી આર્થિક સાયકલના ચાલકબળ બનવા આહવાન કર્યુ હતું.
રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં વેપાર-ઊદ્યોગ, નિકાસ, એફ.ડી.આઇ., જી.ડી.પી.માં અગ્રેસર રહેલું છે. ઉત્તમથી સર્વોત્તમની આપણી ગતિ અને દિશામાં બે માસથી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીએ થોડીક રૂકાવટ ઊભી કરી છે. ગુજરાતે અને ગુજરાતીઓએ પોતાના આગવા ખમીર અને ઝમીરથી ભૂકંપ, વાવાઝોડું, પૂર હોનારત જેવી આપદામાંથી માર્ગ કાઢી વિકાસની અવિરત ગતિ આગળ ધપાવી જ છે.
હવે, કોરોનાની આ સ્થિતીમાં બે-અઢી મહિનાથી જે આર્થિક સાયકલ સ્થગિત થઇ ગઇ છે, તેને ચાલકબળ આપવા, ખાસ કરીને નાના માણસો, નાના વેપાર-ધંધા રોજગાર કરનારાઓને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’થી સહકારી ક્ષેત્રોના સથવારે પ્રતિબદ્ધ છે.