ગાંધીનગર: સમગ્ર દુનિયામાં ડાંગ જિલ્લાનો ડંકો વગાડનાર સરિતા ગાયકવાડે 4*400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તેને પોષણ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે, ત્યારે સરિતા ગાયકવાડનું નામ સમગ્ર દુનિયામાં ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતું બની ગયું છે, પરંતુ આ બાબત શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને સમજમાં આવી નથી, તેવું લાગી રહ્યું છે.
શિક્ષણ વિભાગે ફરીથી ભાંગરો વાટ્યો, ગોલ્ડન ગર્લ સરિતાને બતાવી વનિતા ગાયકવાડ - સરિતા ગાયકવાડ
રાજ્યનું શિક્ષણતંત્ર કેટલી હદે નિષ્ફળ રહ્યું છે, તે ધોરણ-7 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં કરેલી ભૂલ ઉપરથી જોવા મળી રહ્યું છે. ગુજરાતી માધ્યમના પુસ્તકના 16માં પાઠમાં નામાંકિત વ્યક્તિઓનો પરિચય આપતો પાઠ મૂકવામાં આવ્યો છે. જેમાં ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડને વનિતા ગાયકવાડ બતાવી છે, ત્યારે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ શું સાચું સમજશે?
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિનામૂલ્ય આપતા પુસ્તકોમાં ધોરણ-7 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં 16 નંબરના પાઠ જાતિગત ભિન્નતામાં 104 નંબરના પેજ ઉપર દેશની અલગ અલગ ક્ષેત્રે નામના ધરાવતી મહિલાઓનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં રાજકારણી સુષ્મા સ્વરાજ, સિંગર લતા મંગેશકર, અવકાશ યાત્રી કલ્પના ચાવલા અને ગુજરાતના અંતરિયાળ વિસ્તાર ડાંગ જિલ્લામાંથી દેશને સુવર્ણચંદ્રક અપાવનાર સરિતા ગાયકવાડનો પરિચય આપતા ફોટા સહિતની વિગત મૂકવામાં આવી છે.
આ વિગતમાં સરિતા ગાયકવાડને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અને પાઠ્યપુસ્તક બનાવવાની કામગીરીથી લઈને પ્રિન્ટિંગ કરતા અધિકારીઓ દ્વારા બેજવાબદાર ભરી કામગીરી કરવામાં આવી હોય તે ફલિત થઇ રહ્યું છે. સરિતા ગાયકવાડને વનિતા ગાયકવાડ બતાવાઈ છે. મહત્વની બાબત એ છે કે, અગાઉ પણ ગુજરાતના જિલ્લાઓના બતાવતા નકશામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભૂલ બતાવવામાં આવી હતી, જેને માંડ એક વર્ષ થયું છે, ત્યારે તેના બીજા જ વર્ષે સરિતા ગાયકવાડ અને વનિતા ગાયકવાડ બતાવાઈ છે.
ગાંધીનગરથી દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ