મહત્વનું છે કે, દર વર્ષે કરોડો રૂપિયાનું ઘીનો માતાજીનાં પલ્લી રથમાં અભિષેક કરવામાં આવે છે અને આ અર્પણ કરાયેલા ઘીનો પ્રસાદ તરીકે ઉપયોગ ફકત ગામનાં વાલ્મીકી સમુદાયનાં લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ પણ ગ્રહણ કરી શકતાં નથી.
રૂપાલની પલ્લીમાં ઘીની નદીઓ વહી પલ્લી જ્યારે ગામમાંથી નીકળે છે, ત્યારે ગામનાં લોકો અભિષેક કરતા નથી, પણ પલ્લી મંદિરમાં મુકાયા બાદ દશેરાનાં દિવસે ઘી અર્પણ કરે છે. રૂપાલમાં નીકળતી વરદાયિની માતાજીની પલ્લી ગત વર્ષ કરતા 45 મિનિટ મોડી નીકળી હતી. ગત વર્ષે ચાર વાગ્યાની આસપાસ પલ્લીના રથ નીકળ્યો હતો. જ્યારે ગતરોજ 4:45 કલાકે રથ નીકળ્યો હતો. માતાજીના રથના દર્શનાર્થે આવેલા ભક્તો આખી રાત દરમિયાન પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતાં.
ગત વર્ષ કરતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઓટ જોવા મળી હતી. જ્યારે દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવતા હતાં. પલ્લીની સુરક્ષા કરતા ચાવડા સમાજના ભાઈઓ હાથમાં તલવાર લઈને ઉલટા ચાલતા હતાં. પરંપરા પ્રમાણે સમગ્ર રૂટ ઉપર ચાવડા ભાઈઓ ઉલટા ચાલ્યા હતાં. પલ્લીના દિવસે રૂપાલમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે ખિસ્સા કાતરૂ પણ જાણે આ દિવસને અવસાર માનતા હોય તેમ શ્રદ્ધાળુઓના ખિસ્સા કાપવા કાપવા પહોંચ્યા હતાં. જેમાં બંદોબસ્તમાં રહેલી પોલીસે ખિસ્સા કાતરૂને રંગે હાથ ઝડપી લીધા હતાં.
પલ્લી રથ બનાવવામાં ગામના તમામ સમાજનો ફાળો
નોમના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે, ત્યારે વણકર સમાજ પલ્લી માટે ખિજડો કાપી લાવે છે, સુથાર સમાજ પલ્લી બનાવે છે, પ્રજાપતિ સમાજ કુંડા છાંદે છે, વાણંદ સમાજ વરખડાના સોટા બાંધે છે, માળી સમાજ ફુલથી શણગાર કરે છે, મુસ્લિમ અને પીંજારા સમાજ કુંડામાં કપાસ પૂરે છે, પંચોલી સમાજ નૈવેધ માટે સવા મણનો ખીચડો બનાવે છે, ચાવડા સમાજ ખુલ્લી તલવાર લઈને પલ્લીની સુરક્ષા કરે છે, શુક્લ સમાજ પલ્લીની પૂજા કરાવે છે અને પટેલ સમાજ પૂજા-અર્ચના કરાવી કુંડમાં અગ્નિ પ્રગટાવે છે, ત્યાર બાદ વાળંદ સમાજના યુવકો પલ્લી આગળ મશાલ લઈને લઈને ચાલે છે. પલ્લી ગામમાં 27 જગ્યાએ ઉભી રહે છે તેના ઉપર લાખો કિલો ઘીનો અભિષેક કરાય છે.
રૂપાલની પલ્લીનો ઈતિહાસ
વનવાસ દરમિયાન 12મું વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતાં, ત્યારે પાંડવો ધૌમ્ય ઋષિના આદેશથી દધિચી ઋષિના આશ્રમથી 6 કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બીરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતાં, ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં અને વિરાટનગર (ધોળકા) જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુદ્ધમાં તમારો વિજય થશે તેવા આશિર્વાદ આપ્યા હતાં.
ત્યારબાદ યુદ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-૯ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી અને દ્રૌપદીએ બનાવેલુ નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.