- રાજ્યપાલના પ્રવચન પર થઈ ચર્ચા
- વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન પક્ષ અને વિપક્ષ આમને-સામને
- આઇશા આત્મહત્યા કેસ બાબતે પણ થઈ ચર્ચા
- કોંગ્રેસે 2015માં પાટીદાર આંદોલન કર્યું હોવાના વિધાનસભા ગૃહમાં પડકાર
ગાંધીનગર : વિધાનસભાના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રવચન મુદ્દે શુક્રવારે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને-સામને આવી ગયા હતા. જેમાં બન્ને પક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
પ્રદિપસિંહ જાડેજાએ આઇશા આત્મહત્યા અંગે દુઃખ વ્યક્ત કર્યું
રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદમાં આઇશાએ કરેલી આત્મહત્યા બાબતે પણ નિવેદન આપ્યું હતું કે, આઇશા હોય કે આશા સરકાર હંમેશા સંવેદનશીલ જ રહેશે. જ્યારે પ્રદિપસિંહ જાડેજાએ પોતાના મતવિસ્તાર વટવા વિધાનસભામાં જે આઇશાએ આત્મહત્યાની ઘટના બની છે તે અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો -'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
કોંગ્રેસના શાસનમાં ગુજરાત જાતિવાદમાં વેચાઈ ગયું
રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં ચર્ચા કરતા દરમિયાન એ નિવેદન આપ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠક મળી હતી, ત્યારે કોંગ્રેસના શાસન ગુજરાતમાં જાતિવાદમાં વહેંચાઇ ગયું હતું અને વર્ષ 1990માં કોંગ્રેસ પાછલા બારણે સત્તામાં ભાગીદાર બન્યું હતું. જ્યારે વર્ષ 2015માં કોંગ્રેસ દ્વારા અનામત આંદોલનના નામે જાતિવાદ ભડકાવવામાં આવ્યો હોવાનું નિવેદન પણ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિધાનસભા ગૃહમાં કર્યું હતું. જ્યારે પ્રદિપસિંહ જાડેજાએ જવાલાલ નેહરૂનું નામ લીધા વગર પણ અનેક પ્રહારો કોંગ્રેસ પર કર્યાં હતા.