આ બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહન વ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ અમારી પ્રતિબધ્ધતા છે. ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.656 કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. આ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરાશે.
અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્વબેંક લોન સહાય સાથે આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -2 હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.1938 કરોડ કિંમત પૈકી રૂ.1050 કરોડની વિશ્વ બેંકની લોન મળશે. આ કામમાં રૂ.222 કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.
જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના મહેસાણાથી સિધ્ધપુર રસ્તાને 6 માર્ગીયકરણ કરવાનું કામ રૂા. 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ઊંઝા શહેરમાં 1200 મીટર જેટલી લંબાઈનો 6 માર્ગીય ફ્લાયઓવર બનાવાશે.