CM રૂપાણીની કારના વાઈરલ ફોટા અંગે જાણો આર.સી. ફળદુની સ્પષ્ટતા - વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રુપાણી સરકારે સુધારા કરી આ નિયમોને 16 સપ્ટેમ્બરથી અમલ કરવાનું શરૂ કર્યું હતું. કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો કે, હવે 15 ઓક્ટોબરથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે સરકારી ગાડીનો ઉપયોગ કરે છે, તે ગાડીનું પીયૂસી અને વીમો નથી હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં CM રૂપાણીનો વિરોધ થતા રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ આ તમામ બાબતોએ ખુલાસો કરતા કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે, તે તમામ ગાડીઓમાં પીયૂસી અને વીમો છે.
આ તમામ બાબતને લઇને આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ફોટા અને વાહનની ડિટેલ સાથેના ફોટા વાઈરલ થઇ રહ્યાં છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાડીનો વીમો અને પીયૂસી પુરા થઈ ગયા છે. જ્યારે આ ફોટાની સાથે એક મેસેજ પણ વાઇરલ કરવામાં આવ્યો હતો કે, રાજ્ય સરકાર પ્રજાને મોટા દંડ ફટકારી રહી છે. CMને દંડ કેમ નહીં? તે જવાબમાં વાહન વ્યવહાર પ્રધાન ફળદુએ જણાવ્યું હતું CMના કોનવોયમાં જે ગાડીઓ વપરાય છે. તે તમામ ડીજીપીના નામથી ગાંધીનગર આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવેલી છે. જ્યારે જે ગાડી સાથે CM રૂપાણીનો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. તેનું રજિસ્ટ્રેશન વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું. જ્યારે વીમો 31 ડિસેમ્બર 2019 સુધી અને પીયૂસી 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત છે.