ગાંધીનગરઃ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાયસણમાં પીડીપીયુ રોડ ખાતે આવેલા બિઝનેસ પાર્કમાં ગેમ ઝોન છે, જ્યાં પુલ અને સ્નૂકર જેવી ગેમ રમાય છે. આ સ્થળે પુલ અને સ્નૂકર રમવા માટે યુવાનો મોટી સંખ્યામાં આવતા હોય છે. ગુરુવારે સાંજે રાયસણ ગામનો સન્ની પટેલ તેના મિત્રો સાથે એક ટેબલ પર રમતો હતો અને તેની બાજુના ટેબલ પર વાવોલ ગામના રિઝવાન અને અભિ રમતા હતા. યુવાનો વચ્ચે ચાલી રહેલી ગેમની રમઝટ વચ્ચે ગીતો વાગી રહ્યા હતા. દરમિયાન એકએ ગીતને બંધ કરવા કહ્યું હતું અને બીજાએ ગીત ચાલુ રાખવાની જિદ પકડી હતી.
ગાધીનગરના રાયસણનાં ગેમઝૉનમાં ગીત વગાડવા મુદ્દે જૂથ અથડામણ - હુસેની સેના
ન્યૂ ગાંધીનગર તરીકે વિકસી રહેલા અને પ્રમાણમાં શાંત ગણાતા રાયસણ વિસ્તારમાં નજીવી બાબતે યુવકોના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગેમઝોનમાં ગીત વગાડવા બાબદે બોલાચાલી બાદ બે ગાડી ભરીને આવેલા જૂથે સ્થાનિક યુવકો પર હુમલો કર્યો હતો. લાકડી, દંડા વગેરે સાથે થયેલા હુમલામાં ત્રણ યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા. મારામારી કરનાર રીઝવાન શેખ રાજ્યની હુસેની સેનાનો પ્રમુખ છે.
ગેમઝોનમાં ગીત વગાડવા બાબતે બંને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ વાત આટલેથી પૂરી ન થતાં તેઓ ઝપાઝપી કરવા માંડ્યા અને એકબીજાને જોઈ લેવાની ધમકી આપી નીચે ઉતર્યા હતા. બંને યુવકો નીચે ઉતર્યા ત્યારે બે ગાડીને યુવકોનું ટોળું આવી ગયું હતું. શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચે ઊભા રહેલા સન્ની પટેલ, ઋષી પટેલ અને દિપક પટેલ પર આ ટોળુ તૂટી પડ્યુ હતું. લાકડી, દંડા, સ્ટિક વગેરેથી ગામના યુવકોને માર મરાયો હોવાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા.
ગામના લોકોને આવતા જોઈને યુવકોએ ગાડી લઈને નાસવુ પડ્યું અને એક ગાડી સ્થળ પર રહી ગઈ. ગ્રામજનોએ ગુસ્સે ભરાઈને આ કારમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વાતાવરણ ડહોળાય તે પહેલાં સ્થિતિ કાબૂમાં લીધી હતી અને ઘાયલ યુવકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મોડી રાત સુધી પોલીસે આ મામલે ઘાયલો અને સક્ષીના નિવેદન લેવાની તથા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાયસણ ગામના યુવકોએ કરેલા આક્ષેપ પ્રમાણે બે ગાડીઓ ભરીને આવેલા શખ્સો પાસે તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો હતા. તેમણે કરેલા હુમલામાં ગામના દીપક કમલેશભાઈ પટેલ, ઋષિ સંજયભાઈ પટેલ તથા સની અમરતભાઈ પટેલ ઘાયલ થયા હતા. જેમાંથી દીપક અને ઋષિની તબિયત વધુ નાજુક હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ગ્રામજનો ઉપરાંત સમાજના અનેક સભ્યો હોસ્પિટલ ધસી ગયા હતા અને સ્થિતિ વધુ ન કથળે તે માટે પોલીસે ચાંપતી નજર રાખી છે.