સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે ? ગાંધીનગર :રાજ્યની સસ્તા અનાજની દુકાનોના વેપારીઓની માંગને લઈને વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ તંત્ર સાથે બેઠક કરી હતી. બેઠકના અંતે પર કોઈ પણ નિર્ણય ન આવતા પ્રહલાદ મોદીએ જાહેરાત કરી હતી કે, હવે અમારું આંદોલન યથાવત રાખવામાં આવશે અને જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમને બોલાવશે ત્યારે અમે ફરીથી ચર્ચા વિચારણા કરવા માટે આવીશું.
વેપારી-સરકારની બેઠક : રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સાથેની બેઠક બાદ સસ્તા અનાજ દુકાન વેપારી એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે, પહેલા અમને સચિવ દ્વારા મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. સચિવ અને નિયામક તથા પુરવઠા વિભાગના બીજા અધિકારીઓ વચ્ચે પણ બેઠક થઈ હતી. પરંતુ તેમાં સંતોષકારક જવાબ ન મળતા અમે કુંવરજી બાવળિયાને મળવા આવ્યા હતા.
પ્રહલાદ મોદીનું નિવેદન : પ્રહલાદ મોદીએ વધુમાં જણાવ્યું કે, કુંવરજી બાવળિયાને મેં એમના ફેસબુક પેજ પરનું 2 સપ્ટેમ્બર 2023 નું એમનું જ નિવેદન એમને વંચાવ્યું હતું. તેમને પૂછ્યું હતું કે, આ નિવેદન વિશે તમે શું કહો છો તો કુંવરજી બાવળિયા આ બાબતે મૌન રહ્યા હતા. અમે છેવટે ફરીથી સચિવ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવ્યા અને પ્રધાનને વિનંતી કરી હતી, પરંતુ અમારી માંગ જ્યાં સુધી સંતોષ સાથે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.
જો સસ્તા અનાજના દુકાનદારો ગાંઠશે નહિ તો સરકાર પાસે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. અમારી પાસે આજ સાંજ સુધી બધો ડેટા આવી જશે. અમે તહેવારોમાં ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં ગરીબોને કોઈપણ ભોગે અનાજનો જથ્થો પહોંચાડવા તૈયાર છીએ. જેમાં અમે સહકારી મંડળી, દૂધ મંડળી, ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્રની મદદ લઈશું. --કુંવરજી બાવળિયા(અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન, ગુજરાત સરકાર)
પુરવઠા પ્રધાન સાથે બેઠક :સમગ્ર મામલે પ્રહલાદ મોદીએ વધુમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારે અગાઉ કહ્યું હતું કે જે દુકાનદારોને રુ. 20,000 કમિશન મળતું નથી તે તમામ દુકાનદારોને સરકાર રુ. 20,000 કમિશન આપશે અને ભરપાઈ કરી આપશે અને ત્યાં 300 કાર્ડનો શબ્દ આવતો નથી. તો શું કુંવરજી બાવળિયા અંધારામાં રહ્યા અને સચિવ અને નિયામકે આ ધંધા કર્યા છે ?
ક્યાં મુદ્દે છે હડતાલ ?આ મામલાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે સસ્તા દરના અનાજની દુકાનો છે તેમાં 300 કરતા ઓછા રેશનકાર્ડ રજીસ્ટર થયા હોય તેવી દુકાનોને રાજ્ય સરકાર દ્વારા રુ. 20,000 જેટલું કમિશન આપવામાં આવે છે. 300 થી વધુ રેશનકાર્ડ ધરાવતી દુકાનોને રાજ્ય સરકાર કોઈ કમિશન આપતું નથી. ત્યારે સરકાર તમામ રેશનીંગની દુકાનધારકોને રુ. 20,000 કમિશન આપે તેવી વેપારીઓની માંગ હતી. આ મુદ્દા ઉપર જ દિવાળીના સમયે ગુજરાતના સસ્તા દરની અનાજના દુકાનદારોએ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલ બોલાવશે તો આવીશું ? બેઠકના અંતે પર કોઈ પણ નિર્ણય ન આવતા પ્રહલાદ મોદીએ જાહેરાત કરી હતી કે, હવે અમારું આંદોલન યથાવત રાખવામાં આવશે અને જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમને બોલાવશે ત્યારે અમે ફરીથી ચર્ચા વિચારણા કરવા માટે આવીશું. ત્યાં સુધી ગુજરાત રાજ્યની સસ્તા અનાજની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખીશું.
- Ration Shop Owners Strike : રાજકોટ જિલ્લાના સસ્તા અનાજ દુકાનધારકો ફરી હડતાલ પર ઉતર્યા, માંગ પૂરી થઈ છતાં શું સમસ્યા આવી જાણો...
- Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી ગરીબોને મળતું અનાજ અટકી નહીં જાયઃ કુંવરજી બાવળિયા