ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સચિવાલયમાં તો આવી ગયો હતો, પરંતુ હવે રાજ્યના પ્રધાનોમાં પણ કોરોનાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ આવ્યો છે.
રાજ્ય સરકારના પ્રધાન રમણલાલ પાટકરને થયો કોરોના, યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ
રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રધાન એવા રમણલાલ પાટકરને પોઝિટિવ રિપોર્ટ મંગળવારે આવ્યો છે. જેથી તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. લોકડાઉન દરમિયાન લોકોની સેવા અને લોકોને વચ્ચે રહીને સેવા કરતા હતા, ત્યારે એમને હવે કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને મંગળવારે જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આમ, કોરોના વાઇરસ હવે પ્રધાનમંડળમાં પણ પ્રવેશી ચૂકયો છે, ત્યારે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આવેલી રમણલાલ પાટકરની ઓફિસના તમામ સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરવાની સૂચના આપવામાં આવી છે.