અમિત શાહ, સ્મૃતિ ઈરાની વિજેતા બનતા રાજ્યસભાની 2 સીટો માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર: રાજ્યમાં બે વર્ષ પહેલા યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી સમગ્ર દેશવાસીઓને યાદ રહી ગઈ હતી. સવારે દસ વાગ્યે થયેલી ચૂંટણીનું પરિણામ જાણવા માટે બીજા દિવસ પરોઢીએ ત્રણ વાગ્યા સુધી પાર્ટીના નેતાઓને જાગવું પડયું હતું. ભાજપે અમિત શાહ ,સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે ફોર્મ ભર્યું હતું. જ્યારે કોંગ્રેસે અહમદ પટેલને રાજ્યસભામાં મોકલ્યા હતા. તો આ ચૂંટણીમાં અંતે બળવંતસિંહ રાજપૂતની હાર થઈ હતી. તો લોકસભાની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાની જીત થઇ હતી. તેથી આગામી સમયમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પણ યોજવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી સાડા પાંચ લાખ મતથી વિજેતા બન્યા છે. જ્યારે કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવીને વિજેતા બન્યા છે. અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા. જ્યારે કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની પણ ગત ટર્મમાં અમેઠીથી હાર મળ્યા બાદ તેમને પણ રાજ્યમાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા હતા. ત્યારે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ આ બંને નેતાઓની ચૂંટણીમાં જીત થઇ હતી. હવે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આગામી સમયમાં રાજ્યસભાની બે સીટ ખાલી પડશે. જેને લઇને પુનઃ રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવશે.