ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષની નિમણૂક કરાઈ છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ગુજરાત કોંગ્રેસની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને દીપક બાબરીયાના નામોની વિચારણા વચ્ચે સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન શક્તિસિંહ ગોહિલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
દિલ્હી-હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત: આ પહેલા તેઓ દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. તેઓને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવતાં તેમને દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકેની જવાબદારીમાં મુક્તિ અપાઈ છે. દિલ્હી અને હરિયાણાનો પ્રભારીની જવાબદારી શક્તિસિંહ પાસેથી લઈને દીપક બાબરિયાને સોંપવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષની નિમણૂક
દિલ્હીમાં નવા અધ્યક્ષને લઈને થઈ ચર્ચા: થોડા દિવસ પહેલા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલવવામાં આવ્યા હતા. જેમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાનો સમાવેશ થાય છે. પાર્ટીના નવા રાજ્ય પ્રભારી અને અધ્યક્ષની નિમણૂક કરવા માટે રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે દિલ્હીમાં ચર્ચાઓ ચાલી હતી. પ્રદેશ અધ્યક્ષના પ્રમુખ પદના ટોચના દાવેદારોમાં દિપક બાબરિયા અને પરેશ ધાનાણી આગળ હતા. આખરે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપી છે.
કોણ છે શક્તિસિંહ ગોહિલ: શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ એક રાજકારણી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે. શક્તિસિંહે ભાવનગર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિશેષતા સાથે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા છે. હાલમાં તેઓ રાજ્યસભાના સંસદ સભ્ય અને કોંગ્રેસના નેતા છે. 1990માં ભાવનગર દક્ષિણ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. શક્તિસિંહ ગોહિલ 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ પ્રધાન રહી ચુક્યા છે. આ પહેલા પણ તેમણે 2007થી 2012 સુધીમાં ગુજરાત કોંગ્રેસના વિપક્ષી નેતા તરીકે નેતૃત્વ તરીકેની જવાબદારી નિભાવી છે.
- Loksabha Election 2024: રવિન્દ્ર જાડેજાના પરિવારમાં નણંદ અને ભોજાઈ વચ્ચે રાજકીય મેચ, જાણો કેમ આવ્યા ફરી ચર્ચામાં...
- Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી રેકોર્ડબ્રેક માર્જિનથી જીતવા માટે ભાજપે કઈ બેઠક પર વધુ મહેનત કરવી પડશે?, ETV ભારતનો વિશેષ અહેવાલ