ગુજરાત : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અતુલ ગોરે પાણી છોડવા બાબતે જણાવ્યું હતું કે, તાલુકા તંત્રના અધિકારીઓ નદી કાંઠાના ગામોમાં નર્મદાના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી બચાવ ટુકડીઓ સાથે રહી કરી રહ્યા છે. ચાણોદમાં પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ પરિવારને SDRFની ટીમે સલામત રીતે રેસ્ક્યું કરી બચાવ કર્યો હતો. વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.
લોકોને એલર્ટ કરવામાં આવ્યા :કરજણ તાલુકામાં નર્મદા નદી વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે ફસાયેલા 11 વ્યક્તિઓને બચાવવા માટે કલેકટર અતુલ ગોરે એરફોર્સની મદદ માંગી હતી. ઉપરાંત રાજ્યના રાહત કમિશનર મારફત વ્યાસ બેટની ભૌગોલિક વિગતો વાયુ સેનાને મોકલી દેવામાં આવી છે. SP રોહન આનંદ દ્વારા પણ સબંધિત તાલુકાની પોલીસને મદદ માટે તૈયાર રહેવા જણાવાયું છે. ગઈકાલ રાત્રે ડભોઇમાં સંભવિત અસરગ્રસ્ત ગામોમાં રાતે ફરીને લોકોને સમજાવી સલામત સ્થળે ખસી જવા સમજૂત કરાયા હતા. રાત્રે 250 જેટલા લોકો સલામત સ્થળે પહોંચી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. રાત્રીના સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાસ બેટ ખાતે ફસાયેલા લોકોને બચાવવા માટે હોડી મોકલવામાં આવી હતી. પણ પાણીનો પ્રવાહ વધુ હોવાથી શક્ય બન્યું નહોતું. એટલે આજે સવારે એરફોર્સ દ્વારા 11 લોકોને બચાવવામાં આવ્યા હતાં.
NDRF દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું :નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRF ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને 5 પુરુષ, 10 બાળક તથા 1 મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. આમ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર એટલે કે ઝીરો કેઝ્યુલિટી સાથે આપદાનો સામનો કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.
ભારે પાણીની આવકને કારણે પુરગ્રસ્તમાં ફસાયેલા લોકોને NDRF અને SDRF ટીમો દ્વારા રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નદી કાંઠાના વિકલાંગ બબલાભાઈ તડવી, સુરેશભાઈ, લતાબેન, શાંતાબેન અને પરિવારના સભ્યો તથા 15 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. તથા ગભાણા ગામે કેટલાંક લોકો પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. NDRFના 22 જેટલા જવાનો ફસાયેલા લોકોને બોટ દ્વારા બચાવ કામગીરીમાં જોતરાયા હતા. કેવડીયા નિચલા ફળિયામાં 30 લોકોનું રેસ્ક્યું કરાયું હતું. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નદી કાંઠાના કુલ 13 ગામોના 58 કુટુંબોના 440 લોકો સગા સબંધિત તથા પ્રાથમિક શાળા, હાઈસ્કૂલમાં સલામત સ્થળે 16 સપ્ટેમ્બરની રાત્રીના 12 કલાકની પરિસ્થિતિ દર્શાવે છે.- જિલ્લા કલેક્ટર, શ્વેતા તેવતિયા
મુખ્યપ્રધાને નર્મદા નિરના વધામણા કર્યા : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળરાશિના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા. પીએમ મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના પ્રસંગે ભુપેન્દ્ર પટેલે રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કર્યું હતુ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાને બચાવ કામગીરી બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે, શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ કુલ 1637 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો : ઉપર વાસના ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ છલકાઈ ગયો છે અને તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સવારે આઠ કલાકની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, આગામી થોડાક કલાકોમાં રાહતના સમાચાર મળી શકે છે. ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવતા જથ્થામાં ઘટાડો નોંધાયો થયો છે. ઉપરાંત ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક ઘટી છે, છોડવામાં આવતા પાણીના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થશે. હાલ ઓમકારેશ્વર ડેમમાંથી લગભગ 15 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું હતું, જે ઘટીને માત્ર 9,10,000 ક્યૂસેક જ રહેશે. નર્મદા ડેમની વાત કરવામાં આવે તો, પાણીની સપાટી - 138.68 મીટર, પાણીની આવક - 18,63,117 ક્યૂસેક છે. ઉપરાંત હાલ 23 દરવાજા 7.90 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18,41,566 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યના આ વિસ્તારમાં નોંધાયો વધું વરસાદ : ગુજરાત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે, આજે 17 સપ્ટેમ્બર ના સવારના 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધી ગુજરાતના 136 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરા તાલુકામાં 116 MM વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ મહીસાગરના વીરપુર તાલુકામાં 107 MM વરસાદની નોંધણી થઈ છે. ઉપરાંત સૌથી ઓછા વરસાદ વાત કરવામાં આવે તો, ભાવનગર, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લાના તાલુકાઓમાં 1 MM જેટલો જ વરસાદ નોંધાયો છે.
- Panam River Flood: પાનમ નદીમાં પૂર આવતા 4 યુવાનો ફસાયા, NDRFની ટીમ દ્વારા તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ
- Kheda News: ખેડામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ, કપડવંજ તાલુકાના સાત ગામો એલર્ટ