અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સમયથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જો કે, અમદાવાદ શહેરમાં થોડાક દિવસો પહેલા વરસાદના અમી છાંટા પડ્યા હતાં. આગામી 5 જુલાઇએ છત્તીસગઢમાં એક લો-પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેને કારણે 6થી 8 જુલાઇ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે મુંબઈમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે.