રાજ્યમાં ધોધમાર વરસેલા વરસાદ તારાજી સર્જી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. હાલ 204 જળાશયોમાંથી 38 જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે 92 જળાશય હજુ અધૂરા જોવા મળી રહ્યા છે. એક સમય માટે વરસાદ નહીં પડવાને કારણે સરકાર સંકટમાં મુકાઈ ગઈ હતી, પરંતુ મેઘરાજા સરકાર માટે સંકટમોચન બનીને આવ્યા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં ચાલી રહેલા વરસાદને પરિણામે સમગ્ર રાજ્યના 204 જળાશયોમાં 3 લાખ 73 હજાર 247 એમસીએફટી નવા નીર આવ્યા છે અને 67.05 ટકા જળ સંગ્રહ 11 ઓગષ્ટ સુધીમાં થયો છે. ગત વર્ષે આ જળાશયોમાં 11 ઓગષ્ટ સુધીમાં 36.48 ટકા જળ સંગ્રહ થયો હતો.
ગુજરાતમાં ભારે વરસાદથી તારાજી, 38 જળાશયો ઓવરફ્લો - વરસાદ
ગાંધીનગર: રાજ્યમાં દક્ષિણ પટ્ટાથી માંડી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી માંડી ઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત્ છે. અવિરત પણે વરસી રહેલા વરસાદના કારણે અત્યાર સુધી 204 જળાશયોમાંથી 38 જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે 92 જળાશયો હજુ અધુરા છે.
રાજ્યના જળ સંપત્તિ વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ 204 જળાશયો પૈકી 38 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. 70 થી 100 ટકા ભરાઈ ગયા હોય તેવા 26 જળાશયો છે. જયારે 50 થી 70 ટકા ભરાયેલા જળાશયોની સંખ્યા 22 છે અને 25 થી 50 ટકા ભરાયા હોય એવા 44 જળાશયો છે.
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 11 ઓગષ્ટની સ્થિતિએ 13097.63 એમસી એફટી એટલે કે 19.29 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 70645.89 એમસીએફટી એટલે કે 85.22 ટકા, દક્ષિણ ગુજરાત માં સૌથી વધુ જથ્થો 13 જળાશયોમાં 2 લાખ 42 હજાર 151 એમસીએફટી જે 79.50 ટકા છે, કચ્છના 20 જળાશયોમાં 4725.85 એમસીએફટી 40.22 ટકા સંગ્રહ અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમા 42626.97 એમસીએફટી 47.57 ટકા જળ સંગ્રહ થયો છે.
રાજ્યમાં આગામી બે દિવસમાં હજુ વરસાદનું જોર જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ત્યારે આ વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.