માહિતી મુજબ, ગાંધીનગર મહાપાલિકામાં મેયર અને ડેપ્યૂટી મેયર માટેની ચૂંટણી ગત 5 નવેમ્બર 2018ના રોજ યોજાઈ હતી. જેમાં વિપક્ષના ધમાલ વચ્ચે મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. તે દરમિયાન જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપાલિકામાં મલાઈદાર ગણાતી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનવા માટે ભાજપના કાઉન્સીલરોમાં હોડ લાગી હતી. કોર્પોરેટર દ્વારા પોતપોતાની રીતે ગોડફાધરના શરણે જવામાં આવતું હતું.
ત્યારે આ સસ્પેન્સ વચ્ચે બુધવારે ગાંધીનગર મહાપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
દેવેન્દ્રસિંહ ચાવડાને લાગી લોટરી દેવેન્દ્રસિંહ ચાવડા પાંચ વર્ષની ટીમમાં પ્રથમ અઢી વર્ષ માટે ડેપ્યૂટી મેયર તરીકે કામગીરી કરી છે. ત્યારબાદ તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરાતા તેમણે ગાંધીનગરના વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.
દેવેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, ગાંધીનગર શહેરમાં થોડા સમયથી વિકાસ અવરોધાયો હતો. આગામી અઢી વર્ષ દરમિયાન નાગરિકોને સમસ્યાના થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. પાટનગરના નાગરિકોને પ્રથમ પાણી અને ગટરની સુવિધા પૂરી પડાશે.
જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુભાઇ પટેલે કહ્યું કે, આગામી સમયમાં મહાપાલિકામાં ભાજપ દ્વારા દંડક, નેતા અને ઉપનેતાની વરણી કરવામાં આવશે. મહાપાલિકામાં છેલ્લા સાડા સાત વર્ષથી દંડકની જગ્યા ભાજપ દ્વારા કરવામાં આવતી નથી. ત્યારે આ બાબતે પણ ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે અને નિમણૂક કરાશે.