- રાજ્યમાં મગફળીની ખરીદી યથાવત
- સરકારે ખેડૂતોને રૂપિયા 5.16 કરોડનું પેમેન્ટ કર્યું
- કુલ 839 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી
- 14,817 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું
ગાંધીનગર : રાજ્યની તમામ APMCમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કુલ 4.70 લાખ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અત્યાર સુધીમાં ફક્ત 14,817 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હોવાનું અન્ન અને નાગરિક પુરવઠાના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું. જ્યારે રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીમાં 5.16 કરોડની ખેડૂતોને પેમેન્ટ ચૂક્વ્યુ છે.
રાજયમાં 145 સેન્ટરોમાંથી ફક્ત 131 સેન્ટરોમાં જ ખરીદ વેચાણ શરૂ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી માટે 145 સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આજની વાત કરવામાં આવે તો 145માંથી ફક્ત 131 સેન્ટરમાં જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે 14 સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે અન્ન નાગરિક પુરવઠાના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે, એક APMCમાં બે કે ત્રણ સેન્ટર શરૂ કરવામાં આવતા હોય છે. જ્યારે ખેડૂતોને વધારે ધસારો થાય ત્યારે વધારાના સેન્ટર ખોલવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ રીતે બંધ કર્યા નથી.
539 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાઈ, 14,817 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું
અન્ન અને નાગરિક પુરવઠાના મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 14,817 ખેડૂતોએ મગફળીનો વેચાણ ટેકાના ભાવે કર્યું છે. જ્યારે કુલ 539 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે. જ્યારે રિજેક્ટ થવાનું કારણની વાત કરીએ તો મગફળીની અંદર 8 ટકાથી વધુ પ્રમાણમાં ભેજ હોય અથવા તો મગફળીની ક્વોલિટી બરાબર ન હોય તો સેમ્પલ રિજેક્ટ થઈ શકે છે.
અત્યાર સુધીમાં કુલ 2.57 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ
રાજ્યમાં ટેકાના ભાવે અત્યાર સુધીમાં કુલ 2.47 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 9,777.44 ક્વિન્ટલ મગફળીની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે. આમ કુલ 5 કરોડ રૂપિયાની ચૂકવણી રાજ્ય સરકારે ખેડૂતોને કરી છે.