ગાંધીનગર :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તારીખ 01મી ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ આજે કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું.
ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે બેઠક કૃષિપ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિપ્રધાન રાઘવજી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તારીખ 10 માર્ચ 2023થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.
આ પણ વાંચોકપાસના ભાવમાં કડાકો: ટેકાના ભાવ ન મળતા ખેડૂતોએ વેચાણમાં બ્રેક મારી