અમદાવાદ ડેસ્ક:ગુજરાત વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્ટેશન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યપ્રધાન વતી જવાબ ઋષિકેશ પટેલે આપ્યો હતો. જે જવાબમાં તેમણે જણાવ્યું કે કચ્છ એટલે પાણીની અછત ઘરાવતો જિલ્લો એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે કચ્છ જિલ્લો નવસર્જિત બનીને હરિયાળો બન્યો છે. છેક એકતાનગરથી લઈને કચ્છના મૂળકૂબા ગામ સુધી 743 કિ.મીની લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી પહોંચતું થયું છે.
પંપીંગ સ્ટેશનનો બનાવ્યા:વધુમાં તેમણે ઉમેર્યું કે, કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ કેનાલ પર ત્રણ પંપીંગ સ્ટેશન પર અંદાજે 18.72 મીટરની ઊંચાઈએથી પાણી ઉદ્ધવહન કરીને પહોંચાડાય છે. કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા ત્રણ સ્થળે પંપીંગ સ્ટેશનનો બનાવ્યા છે. જે પૈકી પંપીંગ સ્ટેશન-1 અને પંપીંગ સ્ટેશન-2 પ્રત્યેક ઉપર 20 ક્યુમેકની ક્ષમતાના 8 પંપ અને 6 ક્યુમેકસની ક્ષમતાના 3 પંપ રાખવામાં આવ્યા છે. તથા પંપીંગ સ્ટેશન-3 ઉપર 20 ક્યુમેકસની ક્ષમતાના 6 પંપ અને 6 ક્યુમેકરની ક્ષમતાના 3 પંપ રાખવામાં આવ્યા છે. જેની પાછળ રૂપિયા 207.23 કરોડનો ખર્ચ કરાયો છે.