ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarati Ranked : ગુજરાતીઓનું ગૌરવ, દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોમાં પ્રોફેસર દિલીપ માવલંકર અને ડોક્ટર મહાવીર ગોલેચ્છાને સ્થાન

દુનિયામાં નામના પ્રાપ્ત યુનિવર્સિટીઝમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જ્યાં ભણવું પણ મોટી વાત માનવામાં આવે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યાં છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ જાહેર કરેલા વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોમાં ગુજરાતના પ્રોફેસર દિલીપ માવલંકર અને ડોક્ટર મહાવીર ગોલેચ્છાને સ્થાન આપવામાં આવ્યું છે.

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 9:46 PM IST

Gujarati Ranked : ગુજરાતીઓનું ગૌરવ, દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોમાં પ્રોફેસર દિલીપ માવલંકર અને ડોક્ટર મહાવીર ગોલેચ્છાને સ્થાન
Gujarati Ranked : ગુજરાતીઓનું ગૌરવ, દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોમાં પ્રોફેસર દિલીપ માવલંકર અને ડોક્ટર મહાવીર ગોલેચ્છાને સ્થાન

ગાંધીનગર : વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોમાં ગુજરાતના પ્રોફેસર દિલીપ માવલંકર અને ડોક્ટર મહાવીર ગોલેચ્છાને સ્થાન આપવામાં આવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના 2 ટકા ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના પ્રખ્યાત રિસર્ચર પ્રોફેસર દિલીપ માવલંકર અને ડો. મહાવીર ગોલેચ્છાને સ્થાન મળ્યું છે. બંને રિસર્ચરને પબ્લિક હેલ્થ અને હેલ્થ સાયન્સના ક્ષેત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની યાદીમાં સ્થાન :દર વર્ષે યુ.એસ.ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વભરના ટોચના બે ટકા સંશોધકો માટે તેમના સંશોધન પ્રકાશનોના આધારે ડેટા પ્રકાશિત કરવામાં આવે છે, જે એલસેવિયર પ્રકાશક દ્વારા પ્રકાશિત થાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સ્ટાન્ડર્ડાઇઝડ સિટેશન ઇન્ડિકેટર્સના આધારે તૈયાર કરાયેલ વૈજ્ઞાનિકોની યાદી છે, જેમાં અવતરણની માહિતી, અવતરણની એકંદર અસર વગેરેનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ મુજબ તમામ સંશોધકોને 22 વૈજ્ઞાનિક ક્ષેત્રો અને 176 પેટા ક્ષેત્રોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ફિલ્ડ અને સબફિલ્ડ - વિશિષ્ટ ટકાવારી પણ એવા તમામ વૈજ્ઞાનિકો માટે પ્રદાન કરવામાં આવે છે જેમણે ઓછામાં ઓછા પાંચ પેપર પ્રકાશિત કરેલા હોય છે.

તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન : ડોક્ટર મહાવીર ગોલેચ્છા ભારતની પ્રીમિયર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એમ્સ, નવી દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસ અને લંડન સ્કૂલ ઑફ હાઈજીનમાંથી હેલ્થ પોલિસી, પ્લાનિંગ અને ફાઇનાન્સિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે. ડો. ગોલેચ્છાએ અલ્ઝાઈમર રોગ અને એપીલેપ્સી પરના અગ્રણી સંશોધન દ્વારા તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

મહત્ત્વના પ્રોજેક્ટ પર નેતૃત્વ :ડોક્ટર મહાવીર ગોલેચ્છા હાલમાં નીતિ આયોગના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન પ્રોજેક્ટ, ડી.એસ.ટી. ભારત સરકારના આબોહવા પરિવર્તન અને આરોગ્ય પરના પ્રોજેક્ટ પર પણ નેતૃત્વ કરી રહ્યા છે. ડૉ. ગોલેચ્છા એન.સી.ડી.સી., આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના ક્લાયમેટ ચેન્જ અને સ્વાસ્થ્ય પર શ્રેષ્ઠતા કેન્દ્રના નોડલ અધિકારી પણ છે. તેઓ ગુજરાત સરકારના સંયુક્ત સમીક્ષા મિશન અને કેન્દ્ર સરકારના સામાન્ય સમીક્ષા મિશનના સભ્ય છે. તેઓ ઉત્તર પ્રદેશ સરકાર અને યુનિસેફ માટે આપત્તિ વ્યવસ્થાપન માટે નવીન મોડલ વિકસાવવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું પણ નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પીઅર રિવ્યુડ જર્નલમાં 85 થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. મહત્ત્વનું છે કે ડો. ગોલેચ્છાએ સતત ત્રીજા વર્ષે આ યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પ્રોફેસર દિલીપ માવલંકર :વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલા જાહેર આરોગ્ય સંશોધક એવા પ્રોફેસર દિલીપ માવલંકર દ્વારા માતૃ બાળ આરોગ્ય, પર્યાવરણીય જાહેર આરોગ્ય અને જાહેર આરોગ્ય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. તેઓ એનએચ અમદાવાદ અને જ્હોન હોપકિન્સ, યુએસએના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. IIPH-ગાંધીનગરના ડાયરેક્ટર તરીકે જોડાતા પહેલાં તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ સાથે સંકળાયેલા હતાં. તેમણે 100 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પીઅર સમીક્ષા કરેલ પ્રકાશનો અને લગભગ 30 અહેવાલ લખેલાં છે. તેઓ ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય કોવિડ-19 સમિતિના સભ્ય સચિવ પણ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસનીય અમદાવાદ હીટ એક્શન પ્લાન પ્રોજેક્ટનું નેતૃત્વ પણ કર્યું હતું.

  1. કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ટોચના વૈજ્ઞાનિકોની યાદી કરી જાહેર, ઉત્તરાખંડના ત્રણ વૈજ્ઞાનિકોનો થયો સમાવેશ
  2. વિશ્વના વૈજ્ઞાનિકોના રેન્કીંગમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ વૈજ્ઞાનિકોએ મેળવ્યું સ્થાન
  3. ભારતીય વૈજ્ઞાનિકોનું નામ વૈશ્વિક રેન્કિંગમાં સામેલ, અમેરિકા સાથે કરશે રિસર્ચ

ABOUT THE AUTHOR

...view details