ગુજરાત

gujarat

ETV Bharat / state

નિસર્ગ વાવાઝોડાના સંકટ સમયે વીજ કંપનીઓ સ્ટેન્ડ-બાય: ઉર્જા પ્રધાન સૌરભ પટેલ

દક્ષિણ ગુજરાત પર હાલ સંભવિત નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સંકટને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પુરતા પગલા લઈ રહી છે. ઉર્જા પ્રધાન સૌરભ પટેલે રાજ્ય તેમજ સંભવિત વિસ્તારમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કર્યું હતું.

સૌરભ પટેલ
સૌરભ પટેલ

By

Published : Jun 2, 2020, 5:31 PM IST

ગાંધીનગર : દેશના હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્ર પરથી ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ચોથી જૂને સંભવિત પણે ત્રાટકનારા ''નિસર્ગ'' વાવાઝોડા સામે ટક્કર આપવા માટે રાજ્યની વીજકંપનીઓએ તમામ તૈયારી કરી લીધી હોવાનું રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું.

નિસર્ગ વાવાઝોડાના સંકટ સમયે વીજ કંપનીઓ સ્ટેન્ડ-બાય: ઉર્જા પ્રધાન

સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની દરિયાઇપટ્ટી પર આપવામાં આવેલા 'રેડ સિગ્નલ''ને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠાની આપૂર્તિ સતત જળવાઈ રહે તે માટે જરૂરી વીજ વ્યવસ્થા, વીજ વિતરણ અને વીજળીની જરૂરી સપ્લાય માટે રાજ્ય સરકારની તમામ વીજ કંપનીઓ સુસજ્જ છે. ''નિસર્ગ'' વાવાઝોડા સામે વીજવ્યસ્થાપનમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય અને તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે લડત આપવા માટે રાજ્યની વીજકંપનીઓ તૈયાર છે.

''નિસર્ગ'' વાવાઝોડાને કારણે આવનારા કેટલાક દિવસોમાં ભારેથી અતિ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાસ કરીને રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં પડે તેવી પૂરતી સંભાવના છે. આ પરિસ્થતિમાં સતત 24 કલાક વીજ પુરવઠો તમામ દિવસો માટે ઉપલબ્ધ બની રહે અને ખાસ કરીને હોસ્પિટલોને આ અંગેની અગવડ ઉભી ન થાય તે માટે 'ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ'' તથા તેની સંલગ્ન કંપનીઓ GETCO, DGVCL, MGVCL, PGVCL, UGVCL અને GSECL દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

"નિસર્ગ'' સામે લડત આપવા માટે આ પગલાંઓ લેવામાં આવશે

  • GUVNLની તમામ સબસિડરી કંપનીઓ દ્વારા અગાઉથી જ 24 X 7 કંટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવ્યા છે.
  • આ તમામ સબસિડરી કંપનીઓ દ્વારા નોડલ ઓફિસર્સની નિયુક્તિ કરી દેવામાં આવી છે, જે ગ્રાઉન્ડ-લેવલ પર જો વીજ પુરવઠો ખોરવાશે અથવા વીજ આપૂર્તિમાં કોઈપણ પ્રકારની તકલીફ થશે તો તેના નિવારણ માટે તાત્કાલિક ઉકેલ લાવવામાં મદદરૂપ થશે.
  • આ તમામ નોડલ અધિકારોને રાજ્યની પ્રત્યેક કોવિડ હોસ્પિટલ્સને પ્રાથમિકતાના ધોરણે વીજ પુરવઠો આપવા ''ટોચ અગ્રતા'' આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
  • તમામ ફીડર પાવર સપ્લાયને હોસ્પિટલ્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, વોટર વર્કસ, સરકારી કચેરીઓ, ટેલિકોમ ઓફિસ સહિતના મહત્વના સ્થળોએ પ્રાથમિકતાના ધોરણે વીજ પુરવઠો આપવાની સાથે વીજ વિતરણમાં કોઈપણ અડચણ ઉભી થાય તો, તેને તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા અંગેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
  • જ્યાં-જ્યાં વાવાઝોડાની વધુ અસર થવાની સંભાવના છે, તેવા સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી સંસાધનો: ટ્રાન્સફોર્મર્સ, કન્ડક્ટર્સ, કેબલ્સ, ઇન્સુલેટર્સ સહિતના સાધનોનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે.
  • PSC થાંભલાઓ પણ જ્યાં વાવાઝોડાની વધુ અસરની શક્યતાઓ છે, ત્યાં પૂરતી માત્રામાં કોઈપણ પ્રકરની ઇમર્જન્સીને પહોંચી વળવા પૂરતી સંખ્યામાં રાખવામાં આવ્યા છે.
  • 683 કોન્ટ્રાક્ટર્સની ટીમો લગભગ 3763ની સંખ્યામાં માનવબળ સાથે કોઈપણ ઇલેક્ટ્રિક પોલ તૂટી જાય, ઉભા કરવા કે જરૂરી ઇલેક્ટ્રિક નેટવર્ક રીપેરીંગના કાર્ય માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે.
  • રાજ્યના તમામ DISCOMsના 104 ડિવિઝનોમાં પ્રત્યેક ડિવિઝનને એક કોન્ટ્રાક્ટરની ટીમ સ્ટેન્ડ બાયમાં રહેવા ફાળવી દેવાઈ છે; જે પળભરનો પણ વિલંબ કર્યા વગર અસરગ્રસ્ત વિસ્તારમાં તુરંત તૈનાત થઇ જશે.
  • જરૂરી સુરક્ષા સાથે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તમામ અધિકારોને સૂચિત કરી દેવામાં આવ્યા છે.
  • આ સાથે તમામ નોડલ ઓફિસર્સને સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ સતત સંપર્કમાં રહીને કાર્ય કરવા સૂચિત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details