ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે અને કોંગ્રેસ પક્ષ 17 બેઠક પર જ વિજય મેળવ્યો છે. જો કે કોંગ્રેસને હજુ સુધી વિરોધ પક્ષ તરીકેનિયુ માન્યતા મળી નથી. વિપક્ષના પદને લઈને હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ પદ નહીં મળવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આમ વિપક્ષ પદ નહીં આપવામાં આવે તો કોંગ્રેસને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
વિપક્ષ પદને લઈને સી.જે.ચાવડાએ શુ કહ્યું?:ગુજરાત વિધાનસભામાં વિપક્ષ મુદ્દે સી.જે.ચાવડાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યારે-જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થઇ છે, ત્યારે અમે ભાજપને વિપક્ષનું પદ આપ્યું હતું. તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. ભાજપની ફક્ત 14 જ બેઠક હતી, ત્યારે નિયમ પ્રમાણે અમે ભાજપને વિપક્ષ પદ આપ્યું હતું. આજે પણ ગુજરાત વિધાનસભામાં એ નિયમ અકબંધ છે, તેમ છતાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અધ્યક્ષે પોતાનો સત્તાનો ઉપયોગ કરીને વિપક્ષ નથી આપ્યું હોવાના આક્ષેપ સી.જે. ચાવડાએ કર્યો હતો. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે અમે સકારાત્મક રીતે ગુજરાત વિધાનસભામાં લડીશું.
વિપક્ષ પદ માટે શું છે નિયમ?:ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નિયમોની જો વાત કરવામાં આવે તો કુલ બેઠકના 10% જેટલી બેઠક જે તે પક્ષ પાસે હોય તે જ પક્ષ વિરોધ પક્ષમાં બેસી શકે છે પરંતુ કોંગ્રેસ પક્ષ 17 બેઠક પર જ અટકી ગયું છે. સાંસદમાં 10 ટકાનો નિયમ છે જ્યારે ગુજરાત વિધાનસભામાં સત્તા પક્ષ પછીના બીજો પક્ષને વિપક્ષ તરીકે સ્થાન મળે છે.
વિરોધ પક્ષની ઓફીસ બંધ:વિધાનસભાના બીજા ફ્લોર પર શાસક-વિપક્ષ કાર્યાલય આવેલ છે. 14 મી કોંગ્રેસ પાસે વિધાનસભામાં 77 સભ્યો હોવાને કારણે વિપક્ષ પદ મળ્યું એની સાથે સરકારી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ હતી. હવે ગુજરાત વિધાનસભાની 15 મી વિધાનસભામાં વિપક્ષ ન મળવાના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને પ્રથમ માળે આવેલી કાર્યાલયમાં જ ચાલુ વિધાનસભા દરમિયાન બેસવાનો વારો આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ નહીં આપવામાં આવે તો કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાને બંગલો ગાડી, તમામ સુવિધાઓ ગુમાવવી પડશે.