સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, ઝુંડાલ ગામની સીમમાં ગામનો મંગા કોદર ઠાકોર વરલી મટકાનો જુગાર રમાડે છે.જેના આધારે ડીજી વિજિલન્સ દ્વારા દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાંથી 7 શખ્સો ઝડપાયા હતા, જ્યારે 12 જેટલા શખ્સો અંધારાનો લાભ લઈને ખેતરોમાં નાસી છૂટ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી એક રીક્ષા અને 12 ટુ વ્હિલર મળી આવ્યા હતા. ઝડપાયેલા 7માંથી બે શખ્સો પગાર પર રાઈટર તરીકે વરલી મટકાનો આંક લખતા હતા. જેમની પુછપરછ બાદ મુખ્ય સુત્રધારને પણ વિજિલન્સે દબોચી લીધો હતો. ડીજી વિજલન્સે ઝડપાયેલા 8 અને વાહન નંબરોના આધારે બીજા આઠ મળી કુલ 16 શખ્સો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
ઝુંડાલમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
ગાંધીનગર: જિલ્લા તાલુકાના ઝુંડાલ ગામની સીમમાં છેલ્લા એકાદ મહિનાથી ધમધમતા વરલી મટકાના અડ્ડા પર બુધવારના રોજ મોડી સાંજે સ્ટેટ મોનટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. જેમાં 8 શખ્સો ઝડપાયા હતા, જ્યારે 12 જેટલા શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા 4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ પાસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ઝડપાયેલા આઠ શખ્સોમાં મુખ્ય સુત્રાધાર મંગા કોદરજી ઠાકોર, આંક લખતા યોગેશ બબાભાઈ પટેલ, અમરત બબાજી ઠાકોર તથા આંક લખાવવા આવેલા ગાભા ખોડાજી ઠાકોર , ભરત મગનજી ઠાકોર, દિવ્યેશ જંયતીલાલ શાહ, મનીષ કુનુભાઈ નાયક,રજનીકાંત નટવરલાલ સોલંકીનો સમાવેશ થાય છે. ઘટના સ્થળેથી રૂપિયા 3.70 લાખની કિંમતના 13 વાહનો, 60,800 રૂપિયા રોકડા, આંક લખેલી 2 તથા 26 કોરી સટ્ટા બુક અને 21 હજારની કિંમતના 6 મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.
યોગેશ અને અમરતે પ્રાથમિક પૂછપરછમાં કહ્યું હતું કે, તેઓ દૈનિક 250 પગાર અને જમવાના 50 રૂપિયા લેખે કામ કરતા હતા. મુખ્ય સુત્રધાર મંગા ઠાકોર બે-બે કલાકે હિસાબ લઈ જતો હતો. જોકે, મંગળવારે સવારે 11 વાગ્યે હિસાબ લઈ ગયા બાદથી તે આવ્યો ન હતો. વરલી મટકાનો આ અડ્ડો છેલ્લા એક મહિનાથી ચાલતો હોવાની કેફિયત પણ આપી હતી.