ગાંધીનગર: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલબનીઝ ગુજરાતના પ્રવાસે છે. 8 માર્ચના રોજ અમદાવાદ એરપોર્ટ ઉપર તેઓ આવ્યા હતા અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ તેમનું સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ આચાર્યએ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને રંગ લગાવીને ધુળેટીની ઉજવણી કરી હતી.
રંગોત્સવનું આયોજન:ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સન્માનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજભવનના પ્રાંગણમાં રંગોત્સવનું આયોજન કર્યું હતું. એન્થની અલ્બનીઝ એમપી સમારોહ સ્થળે પધાર્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુલાલથી તેમને રંગ્યા હતા. એન્થની અલ્બનીઝે પણ સામે મહાનુભાવોના ગાલે ગુલાલ લગાડ્યો હતો. એન્થની અલ્બનીઝ એમપીએ ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળના સભ્યો પર પણ ફૂલો વરસાવ્યા હતા.
રાજ્યપાલે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે કર્યો સંવાદ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ એમપી સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષમાં લગભગ દરેક મહિનામાં તહેવારોની ઉજવણી થાય છે. લોકો ઉલ્લાસપૂર્વક તહેવારો ઉજવે છે, જેનાથી પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દ વધે છે. હોળીને 'નવ ષષ્ટી'નું પર્વ પણ કહેવાય છે. આ મોસમમાં ખેડૂતોના ઘરમાં નવા અન્નનું આગમન થાય છે. ભારતનો ખેડૂત આ મોસમમાં વધુ પ્રસન્ન હોય છે. સામાન્ય જનસમુદાયની ખુશી અને આનંદ રંગોત્સવ બનીને છલકે છે.
કૃષ્ણ-ગોપી રાસનું આયોજન:રાજભવનમાં રંગોત્સવ અંતર્ગત હોળીના ભાતીગળ રંગારંગ લોકનૃત્યોની પ્રસ્તુતિ મહાનુભાવોએ માણી હતી. ગુજરાતના કવાંટ પ્રદેશના 'રાઠવા હોળી ઘેર નૃત્ય'થી હોળીનૃત્યોનો આરંભ થયો હતો. રાજસ્થાનના ગૈર હોળી નૃત્ય, ઘૂમ્મર અને ચંગની પ્રસ્તુતિ થઈ હતી. ત્યારબાદ ગુજરાતનો કૃષ્ણ-ગોપી રાસ રજૂ થયો હતો અને છેલ્લે ઉત્તર પ્રદેશના 'બરસાના કી હોલી' નું લઠ્ઠમાર નૃત્ય પ્રસ્તુત થયું હતું. ભારતના આ પરંપરાગત હોળી લોકનૃત્યોની પ્રસ્તુતિથી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ એમપી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે પોતાના મોબાઈલ ફોનથી કલાકારોના ફોટોગ્રાફ્સ લીધા હતા.