અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે 12 મે 2023ના રોજ આવી રહ્યા છે. શિક્ષકોના મહાસંમલેનમાં હાજરી આપશે અન ત્યાર બાદ ગુજરાતમાં રૂપિયા 4400 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેની સાથે બપોર પછી બે વાગ્યા પછીનો સમય રીઝર્વ રાખ્યો છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 2 વાગ્યા પછી રાજભવનમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પ્રધાનમંડળના નેતાઓ અને ભાજપ સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
'વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે કાર્યક્રમ પતાવીને બપોરે 2 વાગ્યા પછી રાજભવનમાં રીઝર્વ સમય રાખ્યો છે અને ત્યાર પછી તેઓ ગિફ્ટ સિટીમાં જઈને કેટલાક ઉદ્યોગપતિઓને મળનાર છે. પીએમ મોદી ગિફ્ટ સિટીમાં આવનાર નવા રોકાણો કયા ક્ષેત્રમાંથી આવી શકે છે તે મુદ્દે ચર્ચા કરે તેવી સંભાવના છે.' -ઋષિકેશ પટેલ, રાજ્ય સરકારના પ્રવકતા
ગુજરાત પર સીધી નજર:જાણવા મળ્યા મુજબ નરેન્દ્ર મોદી ભલે દિલ્હી ગયા હોય પણ તેમની સીધી નજર ગુજરાત પર તો રહે જ છે. ગુજરાતમાં શું ચાલી રહ્યું છે અને ખાસ કરીને વિકાસના કામો હોય કે પછી સંગઠનમાં ફેરફારની વાત હોય કે પછી ચૂંટણીલક્ષી તૈયારીઓ હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ રાજભવનમાં ગુજરાતના વિકાસના કામોની સમીક્ષા કરશે. તેમજ સંગઠનમાં ફેરફાર અંગે પણ ચર્ચા થઈ શકે છે.
દિલ્હીમાં પીએમ આવાસ પર બેઠક:આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બેઠક કરી ચુક્યા છે. એક બેઠક તો દિલ્હીમાં પીએમ આવાસમાં કરી હતી જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, પક્ષ પ્રમુખ પાટીલ અને ગુજરાતના સાંસદો હતા, તેમની સાથે લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાનો પ્લાન છે. જેમાં ગુજરાતના ધારાસભ્યો ટાસ્ક અપાયો છે કે જે વિસ્તારમાં ભાજપ નબળું રહ્યું હતું ત્યાં જઈને લોકસંપર્ક વધારવો, કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવી. પ્રજાના કામો કયા પેન્ડિંગ છે અને પ્રજાને સાંભળવી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નીહાળ્યા પછી ઉચ્ચસ્તરીય બેઠક:પીએમ મોદી 9 માર્ચ 2023ના રોજ મોદી સ્ટેડિયમમાં ભારત ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળ્યા પછી તેઓ સીધા રાજભવન ગયા હતા અને ત્યાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી એક પણ બેઠક ગુમાવવી ન પડે તેવું વિશેષ આયોજન કરવા પર ચર્ચા થઈ હતી. તેમજ આ જ બેઠકમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કયા મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ કરી શકાય તે બાબતે આયોજન કરાયું હતું. તે બેઠકમાં પણ પ્રધાનમંડળના વિસ્તરણને લઈને ચર્ચા થઈ હતી, પણ હજી સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ થઈ શક્યું નથી.
લોકસભા ચૂંટણી અને વિકાસના પ્રોજેક્ટ પર ચર્ચા:હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ શકે છે. તેમજ ગુજરાતના વિકાસના કામો સંદર્ભે ચર્ચા થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રીવર ફ્રન્ટ પર નવા પ્રોજેક્ટ, ધાર્મિક સ્થળોનો વિકાસ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગિફ્ટ સિટીમાં નવા રોકાણો જેવા મુદ્દા પર ચર્ચા થશે. સાથે ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા સંભવ છે અને અધિકારીઓ આ વિકસ પ્રોજેક્ટનો પ્રગતિનો રીપોર્ટ પણ રજૂ કરશે.
- PM Modi Rajasthan Visit: PM એ કહ્યું, કેટલાક લોકો નકારાત્મકતાથી ભરેલા છે, સકારાત્મક જોઈ શકતા નથી
- Maharashtra political Crisis: મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટ આપશે ફેંસલો
પ્રધાનમંડળના વિસ્તરણનો મુદ્દો:બીજી તરફ ગુજરાતમાં હજી પ્રધાનમંડળ વિસ્તરણ અને બોર્ડ નિગમમાં નિમણૂંકો બાકી છે. જે મુદ્દે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરીને ગ્રીન સિગ્નલ મેળવાશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ટર્મ જુલાઈ મહિનામાં પુરી થવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે પાટીલના પરર્ફોમન્સના આધાર પર અને લોકસભાની ચૂંટણી સુધી તેમને એક્સ્ટેશન અપાય તેવી પણ શકયતા જોવાઈ રહી છે. તેમજ પાટીલની અધ્યક્ષતામાં સંગઠનને અલગઅલગ કામગીરી અને જવાબદારી સોંપાશે, તેમ જાણવા મળી રહ્યું છે.
નવા પ્રોજેક્ટનો પ્રગતિ રીપોર્ટ મેળવશે:તેવી જ રીતે ગુજરાતમાં ધોલેરા સર પ્રોજેક્ટ, ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રગતિ રીપોર્ટ પર ચર્ચા કરશે. અને લોકસભાની ચૂંટણી પહેલા બુલેટ ટ્રેનના ફર્સ્ટ ફેઝને શરૂ કરવા મુદ્દે પણ વડાપ્રધાન કહી શકે છે.