ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતના 100માં એપિસોડનું 30 એપ્રિલ, 2023ના રોજ પ્રસારણ થશે. તે દિવસ ખાસ બની રહેશે. ભાજપ દ્વારા આખા દેશ અને ખાસ કરીને ગુજરાતમાં તેના માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે. અને ખાસ કરીને યુવાનો મન કી બાત તરફ આકર્ષવાની યોજના તૈયાર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનો રાજકીય રીતે લાભ કેવી રીતે લઈ શકાય તેવો પ્લાન છે.
યુવાઓ પર વધુ ફોક્સ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડ પૂર્ણ થયા છે અને હવે 30 એપ્રિલના રોજ 100મો એપિસોડ રીલીઝ થશે. ગુજરાતમાં ભાજપ સંગઠન દ્વારા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શક્તિપ્રદર્શન કેન્દ્ર ખાતે મન કી બાત કાર્યક્રમને ખૂબ મોટી સંખ્યામાં સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના યુવાઓ પર વધુ ફોક્સ કરવામાં આવ્યું છે.
18,200 કેન્દ્ર પર ફક્ત યુવાઓ માટે આયોજન :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડની ઉજવણીમાં યુવાઓ પર ખાસ ફોક્સ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ETV Bharat સાથે ખાસ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 100માં એપિસોડની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર પ્રતિ બેઠકમાં 2 શક્તિકેન્દ્રો પર યુવા માટે ખાસ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ શક્તિ કેન્દ્રો ખાતે 100 જેટલા યુવાનો પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળશે, જ્યારે ગુજરાતમાં 50,000 જેટલા બુથ છે ત્યારે તમામ બુથ પર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધુમાં વધુ નવા યુવાઓનો ભાજપમાં જોડાય તે રીતનું આયોજન છે.
આ પણ વાંચો Gandhinagar News : હજારો લોકો સાંભળશે પીએમ મોદીની મન કી બાતનો 100મો એપિસોડ, ભાજપમાં આનંદ ભયો
મતદાર યાદીના સુધારણા કાર્યક્રમ : ભારતીય જનતા પાર્ટીના યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી અંતર્ગત અત્યારે નવી મતદાર યાદી અને સુધારણા મતદાન યાદીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં નવા યુવાન મતદાર યાદીમાં નામ નોંધાવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ નવા યુવા મતદારો લોકસભા 2024ની ચૂંટણીમાં મતદાન કરી શકે તેવું આયોજન કરાયું છે. તેમજ વધુમાં વધુ યુવાનો ભાજપમાં કઈ રીતે જોડાય અને તે બાબતનું પણ આયોજન અને કાર્યક્રમો ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અગાઉથી હાથ ધરવામાં આવ્યા છે.
નવા યુવા મતદારો ભાજપની વોટબેંક છે :ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 182 બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો મેળવીને ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો હતો. ડીસેમ્બર 2022ની છેલ્લી સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4 કરોડ 90 લાખ 89 હજાર 765 હતી. જેમાં યુવાન મતદારોની સંખ્યા 11 લાખ 62 હજાર 528 નવા મતદારો નોંધાયેલા હતા. ગુજરાતમાં ભાજપ પાસે નવા યુવાન મતદારોની નોંધણી છે, અને નવા મતદારો ભાજપ તરફ વળી રહ્યા છે. કોઈ એવી નેતાગીરી કે કોઈ પાર્ટી નથી કે જે યુવાઓને પોતાની તરફ વાળી શકે. માત્ર ભારતીય જનતા પાર્ટી ચોક્કસ પ્રકારના આયોજન સાથે અને નરેન્દ્ર મોદીના વીઝનને કારણે તેમજ દેશની પ્રગતિથી ખુશ થઈને યુવાનો ભાજપ તરફ આકર્ષિત થયા છે.
ગુજરાતમાં યુવા મતદારોની સંખ્યા : ડિસેમ્બર 2022 સુધીમાં કુલ યુવા મતદારો 11,62,528 છે જેમાંસુરતમાં 1,02,506,અમદાવાદમાં 93,428,બનાસકાંઠામાં 81,515,બરોડામાં 47,343,દાહોદમાં 47,194,ભાવનગરમાં 45,277,રાજકોટમાં 42,973,કચ્છમાં 42,294,મહેસાણામાં 40,930,સુરેન્દ્રનગરમાં 39,437,સાબરકાંઠામાં 31,076,છોટાઉદેપુરમાં 20,638,મહીસાગરમાં 21,323,અરવલ્લીમાં 23,084,ગાંધીનગરમાં 27,599,નર્મદામાં 15,796,તાપીમાં 13,800,પોરબંદરમાં 13,561,બોટાદમાં 15,612 અનેડાંગમાં 8680 યુવા મતદારો છે.
આ પણ વાંચો Mann Ki Baat : PMની 'મન કી બાત' કાર્યક્રમમાં કોઈ કચાસ ન રહે તે પ્રકારની વડોદરામાં તૈયારીઓ
પ્રેરણાદાયી વાતો માટે પીએમ મોદી જાણીતા : રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharatને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મત કી બાત કાર્યક્રમ જનતા સાથે સીધી રીતે જોડાવાનો એક અલગ પ્રકારનો કાર્યક્રમ છે. પીએમ મોદી એક રાજકીય વ્યક્તિ મટીને ભારત દેશના રાજદૂત હોય તે રીતે ભારતમાં બનતી વિવિધ સારી ઘટનાઓની નોંધ લઈ અને ભારતના લોકોને પ્રેરણા મળે તેવી વાતો રજૂ કરે છે. નમો એપ પર તેઓ સૂચનો પણ મંગાવતા હોય છે. અને તે સૂચનોનો પણ મન કી બાતમાં સમાવેશ કરતાં હોય છે. પીએમ મોદી સમાજ ઘડતરનું કામ, નવો પ્રયોગ, તહેવારોનો ઉલ્લેખ કરીને મન કી બાતને વધુ લાઈવ બનાવી છે. અને જનતાનો અવાજ કે જનતા સાથે જોડાવાનો કાર્યક્રમ બની ગયો છે. જો કે તેનો રાજકીય લાભ છે.
યુવાનો પીએમ મોદીની વાતથી વધુ આકર્ષાયા છે : જયવંત પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે મોઢેરા ગામ સૌર ઉર્જા સંચાલિત ગામ બન્યું ત્યારે પીએમ મોદીએ મોઢેરાના એક સામાન્ય ભાઈ અને એક બહેન સાથે વાત કરી હતી. ત્યારે વડાપ્રધાન સાથે વાત કરી તેનું ગૌરવ તેનો સમાજ અને ગામ લે છે. આ કનેક્શનને વધુ મજબૂત કરે છે. ખાસ કરીને યુવાનો આ વાતને ભૂલતા નથી. વડાપ્રધાન યુવાનો પર વધુ ભાર મૂકે છે. મન કી બાતમાં પ્રેરણાદાયી વાતથી યુવાનો વધુ આકર્ષિત થાય તે પણ સ્વાભાવિક છે. આનો સીધો લાભ ભાજપને ચૂંટણીમાં થાય જ છે.
યુવાનોના મન કોરી સ્લેટ જેવા હોય છે :અગ્રણી રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલે ETV Bharatને કહ્યું હતું કે વડાપ્રધાન મન કી બાત રેડિયો પર કરી રહ્યા છે. આમ તો રેડિયો જૂના જમાનાનો છે. પણ રેડિયોનું પ્રસારણ તમામ ટીવી ચલાવે છે, જેથી વધુ લોકપ્રિય બન્યું છે. રેડિયોનું પસંદગી એટલા માટે કરી છે કે રેડિયોમાં બોલવાનો અંદાજ અને વજન અલગ અલગ હોય છે. પીએમ મોદી મન કી બાતમા યુવાનોને પણ યાદ કરીને પ્રેરણાદાયી વાતો કરતા રહ્યા છે. જૂના જમાનાના કોંગ્રેસી હોય તે બીજી પાર્ટીને ફોલો કરતાં હોય તેમના મન બદલવા મુશ્કેલ હોય છે. પણ યુવાનો સાથેની સીધી વાતચીતમાં તેમને આકર્ષિત કરવા સહેલા હોય છે. 30 ટકા લોકો કોંગ્રેસીઓ છે, જેમના મન કળવા અને બદલવા અઘરા છે. પણ નવા મતદારો કોરી સ્લેટ જેવા હોય છે, જેથી પીએમ હંમેશની જેમ યુવાનો જ સીધા ફોક્સ કરીને વાત કરતાં હોય છે. જેથી મન કી બાતનો 100મો એપિસોડ યુવાનો પર પણ હોઈ શકે છે.