ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. 27 અને 28 જુલાઇ એમ બે દિવસ તેઓ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેમા રાજકોટના હીરાસરમાં નવનિર્મિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદઘાટન સહિતના મહત્ત્વના આયોજન પાર પાડશે.
સીકરમાં કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી 27 જુલાઇએ ગુજરાત આવવા નીકળશે. જોકે તેઓ પહેલાં રાજસ્થાનના સીકર પહોંચશે. જ્યાં તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ સીકરમાં જનસભા પણ કરવાના છે. જે બાદ તેઓ રાજકોટ આવવાના છે તેવી જાણકારી મળી રહી છે.
બપોરે રાજકોટ આવશે :પીએમ મોદી બપોરે ત્રણ વાગ્યા પછી રાજકોટ પહોંચે તેવી મોટી સંભાવનાઓ જણાવાઇ છે. રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકાય તેની ઘડીઓ ગણવામાં આવી છે ત્યારે પીએમ મોદી દ્વારા આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિરીક્ષણ પણ કરવામાં આવનાર છે. એરપોર્ટ નિરીક્ષણ બાદ તેઓ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લોકાર્પિત કરશે..
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ : પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરશે. જેનું 1405 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પેસેન્જર ટર્મિનલ 23,000 ચોરસ મીટર એરિયા છે. આ એરપોર્ટ પિક આવર્સમાં દર કલાકે 1280 પ્રવાસીઓનું હેન્ડલિંગ કરે તેવી સક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર 2027ના દિવસે પીએમ મોદીએ ચોટીલા પાસે આવેલા હીરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ હેતુથી ભૂમિપૂજન કર્યું હતું.
કેકેવી ઓવરબ્રિજ લોકાર્પણ સહિતના કાર્યક્રમો :આ કાર્યક્રમ બાદ રાજકોટની વિવિધ વિકાસ કાર્યોની પરિયોજનાઓનું લોકાર્પણ કરવાના છે. જેમાં કેકેવી ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કરશે. જે બાદ તેઓની કાર્યક્રમ સૂચિમાં સૌની યોજના લિંક 3ના પ્રોજેક્ટનું લોકાર્પણ મહત્ત્વના સ્થાને છે. સૌની યોજનાના બે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જેનાથી 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98,000 નાગરિકોનેે પીવા માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ બનશે.
રેસકોર્સ મેદાનમાં જાહેરસભા : લોકાર્પણ કાર્યક્રમો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્સ મેદાનમાં જંગી મેદનીને સંબોધન કરવાના છે. આ બાદ તેઓ સ્થાનિક નેતાઓની ઔપચારિક મુલાકાત બાદ ગાંધીનગર રવાના થશે અને રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે.
28મીએ ગાંધીનગરમાં મહત્ત્વનો કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઇએ ગાંધીનગરમાં સવારે સાડા દસે મહાત્મા મંદિરમાં આયોજિત સેમિકોન ઇન્ડિયા કોંગ્રેસ 2023માં ઉપસ્થિત રહેશે. ભારત સરકારના ઇલેકટ્રાનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સેમિકંડકટર ઉત્પાદનને વેગ આપવાના હેતુ સાથે યોજાઇ રહ્યું છે. આ કાર્યક્રમ 28 જુલાઇથી 30 જુલાઇ સુધી યોજાવાનો છે ત્યારે તેમાં એક વિશેષ એક્ઝિબિશન પણ યોજાશે તેને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મૂકવાના છે. એક્ઝિબિશનમાં સેમિકંડકટર કઇ રીતે ઉત્પાદિત કરવામાં આવે છે તેની પ્રક્રિયા જાણી શકાશે. આ કાર્યક્રમના ઉદઘાટન બાદ પીએમ મોદી ધારાસભ્યો અને સાંસદો સાથે ભોજન સમારોહમાં ભાગ લેશે અને સાંજે તેઓ નવી દિલ્હી પરત ફરશે.
- Rajkot News: રાજકોટવાસીઓને મળશે મોટી ભેટ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્વાટન કરશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- Rajkot Dem: રાજકોટમાં આખું વર્ષ પાણી ચાલે તેટલું પાણી ડેમોમાં આવ્યું
- EXCLUSIVE: રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિર્માણનું કામ શરૂ, જુઓ ETVનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ