- વડાપ્રધાનના મોદીએ ગુજરાતને આપી ભેટ
- ગાંધીનગરથી વારાણસીની ટ્રેનને બતાવી લીલી ઝંડી
- 10 સ્થળ પર દર્શાવાયો વર્ચ્યુઅલ કાર્યક્રમ
ન્યૂઝ ડેસ્ક: આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકીના નવનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી તેમજ નેચર પાર્કનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. જેમાં સૌથી પહેલાં તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશનની ઇ-લોકાપર્ણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, "આ નવા ભારતની નવી ઓળખ આપવામાં આજે એક વધુ સોપાન ઉમેરાયું છે. હું રૂબરૂ જોવાનું ચૂકી ગયો પણ હું ફરી વખત ચોક્કસ આવીશ. વર્ષો સુધી આપણે ક્વોલિટી પબ્લિક સ્પેસ અને લાઈફથી વંચિત રહ્યા છે, પરંતુ હવે સમગ્ર ઈકો સિસ્ટમ બદલાઈ રહી છે. અમદાવાદ સાથે ગુજરાતમાં રેલ કનેક્ટિવીટી વધી છે. ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક ટ્રેન સોમનાથની ધરતીને વિશ્વનાથની ધરતી સાથે જોડવાનું કાર્ય છે."
ગાંધીનગર રેલ્વે સ્ટેશનની સુવિધાઓ
ગાંધીનગર રેલ્વે સ્ટેશન દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન છે, જ્યારે આ રેલવે સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ એલિવેટર્સ અને બે પેસ્ટ્રી સર્વે છે, જે અલગ-અલગ પ્લેટફોર્મ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. 400 વ્યક્તિથી વધુ લોકો માટેનું વેઇટિંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે સેન્ટ્રલી એરકન્ડિશન મલ્ટીપર્પસ હોલ, બેબી ફિડિંગ રુમ, અને પ્રાથમિક સારવાર કેન્દ્ર જેવી સુવિધાઓ સાથે સાથે રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્લેટફોર્મને જોડતા 2 એસ્કેલેટર્સ, 3 લિફ્ટ, ટ્રેનોની માહિતી દર્શાવતા LED સ્ક્રિન્સ, દિવ્યાંગો માટે રેમ્પ સહિતની તમામ સુવિધાઓ, પ્રાથમિક સારવાર માટેની સુવિધાઓ, મેટ્રો પ્રોજેક્ટ સાથે જોડાણ અહીંયા જોવા મળશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે
આજે ગુજરાતને વિકાસની માળાભેટ મળી છે. કોરોનાકાળમાં વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓ સ્થગતિ થયા હતા. 'ન ઝૂકના, ન રૂકના' એ મંત્રથી ભારતે વિકાસની આર્થિક ગતિવિધિઓ યથાવત રાખી હતી. ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવામાં વડાપ્રધાનનો સિંહફાળો રહ્યો છે. તેમના કારણે જ ગુજરાતના વિકાસની તુલના માત્ર અન્ય રાજ્યો સાથે નહિ પરંતુ વિકસિત દેશો સાથે થાય છે. ગુજરાત સૌથી વધુ FDI મેળવનારુ રાજ્ય, જેની પાછળ વડાપ્રધાન મોદીનો હાથ છે. ગાંધીનગર વર્ષોથી રેલવેથી વંચિત હતું, ગાંધીનગરની ગરિમા વધારવા આધુનિક રેલવે સ્ટેશન ભેટ આપ્યું છે. રેલવે માટે ગુજરાતને વર્ષોથી અન્યાય થતો રહ્યો છે. આ વિકાસ કાર્યો વિશ્વસ્તરે ગુજરાતને નામના અપાવશે.
ગાંધીનગરથી વારાણસી વચ્ચે સાપ્તાહિક ટ્રેન થઇ શરૂ
ગાંધીનગર સ્માર્ટ રેલ્વે સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન બીજા બે મહત્વના પ્રોજેક્ટ પણ શરૂ થયા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી વારાણસી સુધીની ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યો કર્યો છે. આ ટ્રેન અઠવાડિયામાં એક જ દિવસ ગાંધીનગરથી સંચાલિત થશે અને 24 કલાકના સમયગાળામાં ગાંધીનગર થી ટ્રેન ઉપડીને વારાણસી પહોંચશે. આ ઉપરાંત બીજા પ્રોજેક્ટ તરીકે મહેસાણાથી વારેડાનો છે. આ ટ્રેનની મીટરગેજની લાઈનને બ્રોડગેજ કરવામાં આવી છે, સાથે જ વરેઠા, વડનગર, વિસનગર અને ખેરાલુ રેલ્વે સ્ટેશનને આ લાઇન દ્વારા આવરી લેવામાં આવ્યા છે. આ વરેઠાથી ગાંધીનગર રૂટની ટ્રેનને પણ પીએમ મોદી દ્વારા લીલી જંડી આપવામાં આવી. આ સાથે ગાંધીનગર - વરેઠા મેમુ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર ઉપરાંત વડાપ્રધાને અમદાવાદ સાયન્સ સીટી ખાતે પણ ત્રણ ગેલેરીનું લોકાર્પણ કર્યું હતું.
એક્વાટિક ગેલેરી- આ ગેલેરીમાં અલગ અલગ કુલ 68 ટેન્ક રાખવામાં આવ્યા છે. જેમાં શાર્ક સહિત 188 પ્રજાતિની 11,600થી વધુ માછલીઓ એક જ જગ્યાએથી નિહાળી શકાશે. આ ગેલેરીની વધુ એક વિશેષતા એ છે કે, તેમાં 28 મીટર લાંબી વોક-વે ટનલ તૈયાર કરવામાં આવી છે. જેમાં પાણી નીચે ચાલીને લોકો માછલીઓ જોઈ શકશે. આ ગેલેરીમાં ઇન્ડિયા, આફ્રિકા, એશિયન, પેસિફિક, અમેરિકન આમ કુલ 10 ઝોનમાંથી વિવિધ માછલીઓને અહીં લાવવામાં આવી છે. આ ગેલેરીમાં દ્વારકાની થીમ ઉપર ડેવલોપ કરવામાં આવેલી ટનલ જોવાલાયક છે. અહીં ટનલમાં વિવિધ માછલીઓની સાથે દ્વારકાનું સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યું છે. જે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીનો અનુભવ કરાવે છે. અહીં ટનલમાંથી પસાર થતી વખતે આજુબાજુ અને ઉપરથી એમ ત્રણેય બાજુએથી રંગબેરંગી માછલીઓ તરતી નજરે પડે છે.
રોબોટિક ગેલેરી - સાયન્સ સિટી ખાતે 11 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલી રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. આ ગેલેરીના મુખ્ય આકર્ષણોમાં પ્રવેશદ્વાર પર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ તેમજ ખાસ રીતે તૈયર કરાયેલ હ્યુમનોઈડ રોબોટ આનંદ છે. જે માનવ લાગણીઓ વ્યક્ત કરી શકે છે. આ ગેલેરીના અલગ અલગ માળ પર મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ સહિતના વિવિધ ક્ષેત્રના રોબોટ રાખવામાં આવ્યા છે.
નેચર પાર્ક -20 એકમાં પ્રસ્થાપિત નેચર પાર્કમાં 380થી વધારે સ્પીસિસ જોવા મળશે. આ પાર્કના મુખ્ય આકર્ષણોમાં બામ્બૂ ટનલ, ઓક્સિજન પાર્ક, ચેસ અને યોગા સ્પેસ, ઓપન જીમ તેમજ બાળકો માટેના પ્લે એરિયાનો સમાવેશ થાય છે. આ સાથે વિવિધ સ્કલ્પચર્સ પણ મૂકવામાં આવ્યા છે અને મુલાકાતીઓમાં વૈજ્ઞાનિક સમજ કેળવાય તે માટેના વિવિધ પ્રોજેક્ટ્સ પણ રાખવામાં આવ્યા છે. આ નેચર પાર્કમાં સૌથી આકર્ષક નજરાણું નૌકા વિહાર છે. આ નેચર પાર્કમાં પ્રવેશ લેતા જ સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવતું સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે. અહીં વિવિધ વનસ્પતિ ઉગાડવામાં આવી છે. લોકો તેના નામ જાણી શકે તે માટે નેમ પ્લેટ પણ મુકવામાં આવી છે. આ સાથે કરોડો વર્ષો પહેલા પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા જીવ સૃષ્ટિના સ્કલ્પચર તેમના નામ સાથે મૂકવામાં આવ્યા છે. આમ, આજની પેઢી અને આવનારી પેઢી માટે પર્યાવરણ ક્ષેત્રે ધરોહર સાયન્સ સિટીના ફેઝ -2 માં રાખવામાં આવી છે.