ગાંધીનગર: 23 ઓક્ટોબરના રોજ પાલનપુર RTO પાસે નવનિર્માણ થઈ રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં બે યુવાનોના મોત થયા છે. ત્યારે આ મામલે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઈ હતી. આ મામલે રાજ્ય સરકારે તપાસ કમિટી પણ બનાવી છે જે અંતર્ગત આજે પ્રાથમિક રિપોર્ટ પણ મુખ્યપ્રધાનને સોંપાયો હોવાની વાત સામે આવી છે. જ્યારે હવે રાજ્ય સરકાર નવા બ્રિજ અથવા તો સરકારી ઇમારત બનાવવા માટેની કામગીરી અને નિયમોમાં પણ ફેરફાર કરશે તેવી જાહેરાત રાજ્યના પ્રવક્તાપ્રધાન કનુ દેસાઈએ કરી હતી.
'હવે રાજ્ય સરકાર નવા બ્રિજના નિર્માણ અને અન્ય કોઈપણ સરકારી બાંધકામ અને મોટા પ્રોજેક્ટ માટે ઓછા ભાવવાળા ટેન્ડર નહીં પરંતુ ક્વોલિટી વર્કને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. આ માટે એક ખાસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે, સાથે SOR સુધારવામાં આવશે. ઉપરાંત પાલનપુર બ્રિજમાં જે કોઈપણ જવાબદાર હશે તેના ઉપર પણ કાયદેસરની કામગીરી કરવામાં આવશે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પણ ખાસ દાખલો બેસાડવાની રાજ્ય સરકારે તૈયારી કરી છે. - કનુભાઈ દેસાઈ (પ્રવક્તા પ્રધાન)