ગાંધીનગરઃ કોરોના વાઇરસનો આંકડો દિવસ અને રાત વધ્યા જ કરે છે, ત્યારે સરેરાશ રોજના બસ્સો કેસ સામે આવી રહ્યાં છે, ત્યારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, આવતીકાલથી રાજ્યમાં રેપિડ કીટનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે. જેની સાથે સવારે તેમણે કહ્યું હતું કે, હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવશે, પરંતુ 8 કલાક બાદ તેમને ફેરવી તોળ્યું હતું.
કોરોના વાઇરસ હવે કાબુ બહાર જોવા મળી રહ્યો છે, ત્યારે વધતા જતા કહેર વચ્ચે સવારથી સાંજ સુધી રાજ્યમાં વધુ 135 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 67 કેસ નોંધાયા છે. સુરતમાં 51, મહીસાગરમાં 9, છોટા ઉદેપુરમાં 4, વડોદરા અને બનાસકાંઠામાં 1-1, આણંદમાં 2 કેસ નોંધાયા છે. 8 લોકોના મૃત્યુ થયા છે. 35 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 2107 લોકો સ્વસ્થ છે અને 13 લોકો વેન્ટિલેટર પર છે.