- ગાંધીનગર જિલ્લાના 210 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ
- ગાંધીનગર જિલ્લાના 286માંથી 76 ગામોમાં 100 ટકા વેક્સિનના ડોઝ બાકી
- 8,20,808 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ટૂંક જ સમયમાં 100% વેક્સિનેશનની(Gandhinagar Vaccination) પ્રક્રિયા પૂર્ણ થઇ જશે કેમ કે ગાંધીનગર શહેરમાં પ્રથમ ડોઝનો 100 ટકાનો ટાર્ગેટ પૂર્ણ થઇ ચૂકયો છે. ત્યારે બીજા ડોઝમાં(Covid - 19 vaccines) પણ ઝડપી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જિલ્લાના ગામોમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવંતી બની છે. સો ટકા વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તરફ કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગ(Gandhinagar Health Department) તરફથી મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લામાં 8,47,000 વેક્સિન આપવાનો ટાર્ગેટ છે ત્યારે ગામોમાં પણ 80થી 90 ટકા જેટલી વેક્સિન આપવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જાન્યુઆરી સુધીમાં વેક્સિન આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા તરફ જિલ્લા આરોગ્ય વિભાગ કામ કરી રહ્યો છે.
અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં 8,20,808 રસીનો પ્રથમ ડોઝ અપાયો
ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં જેમાં 43 તાલુકા જેવા કે, માણસા, દહેગામ, કલોલ તેમજ તમામ 286 ગામોનો મળી 8,20,808 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ(first dose of Gandhinagar vaccine) આપવામાં આવ્યો છે જ્યારે 5,77,054 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યારે 53 સેન્ટરો પર રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં રોજના એવરેજ 9 થી 10 હજાર લાભાર્થીઓ રસીનો લાભ લઇ રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં હાલ એક પણ કોરોના દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. જોકે અત્યાર સુધી 9,664 દર્દીને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.