ગાંધીનગર: રાજ્ય સરકારમાં હવે સરકારી નોકરી મેળવવા માટે સીધી ભરતીની પ્રક્રિયા બંધ કરી છે. જ્યારે કોઈપણ ઉમેદવારે ગુજરાત સરકારમાં નોકરી મેળવવી હોય તો અમુક પરીક્ષાઓ પાસ કરવી ફરજીયાત છે. ત્યારે કાયદેસરની કાર્યવાહીમાંથી પણ ઉમેદવારોએ પસાર થવું પડે છે. પરંતુ સમાચાર પત્રોમાં સરકારની સીધી ભરતી મુદ્દેની અનેક જાહેરાતો પ્રસિધ્ધ કરવામાં આવે છે. જે અમુક લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો દ્વારા યુવાનોને લૂંટવા માટે અને ગેરમાર્ગે દોરવા માટેની જાહેરાત હોવાનું પણ સામે આવ્યું છે.
સીધી ભરતીની ખોટી જાહેરાત મુદ્દે ગાંધીનગરના તમામ પોલીસ સ્ટેશનમાં તપાસના આદેશ : એમ.કે.રાણા - સરકારી નોકરીમાં સીધી ભરતી બંધ
રાજ્યમાં યુવાનો બેરોજગાર છે, સરકારી નોકરીઓ માટે યુવાનો વલખા મારી રહ્યા છે. ત્યારે અમુક લેભાગુ તત્વો દ્વારા સમાચાર પત્રોમાં આવતી જાહેરાતો આપીને યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આ ઘટનાને ધ્યાનમાં લઈને ગાંધીનગર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો આવા કોઈ તત્વ જણાઈ આવે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં સીધી ભરતીની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ છે. ત્યારે જાહેર ખબરમાં સીધી ભરતીથી સરકારી નોકરી મેળવે તેવી જાહેરાત પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ઓનલાઈન ફોર્મ ભરે તો 300 રૂપિયાની માંગ પણ કરવામાં આવે છે. તે દરમિયાન બેરોજગાર યુવાનો 300 રૂપિયા ભરીને આવી જોહેરખબરમાં દોરાઇ જાય છે. જેથી આવી ખોટી જાહેરાત મુદ્દે ગાંધીનગર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા છુપી રીતે અનેક વખત સ્થળ તપાસ પણ કરવામાં આવી રહી છે.
આમ, સરકારી નોકરીમાં સીધી ભરતી બંધ છે. ત્યારે અમુક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરવા અને આર્થિક રીતે છેતરવા માટે આવા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા પણ યુવાનો છેતરાઇ નહીં તે માટે આગોતરા પગલાં લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.