ગાંધીનગરઃ PDPU રોડ ઉપર રાત્રિના સમયે ગોલવંટા ગામમાં રહેતા અને માર્કેટિંગની નોકરી કરતા બે યુવક પ્રકાશ રાજુજી ઠાકોર અને આનંદ કાનાજી સોલંકી (ઠાકોર) નોકરી પૂરી કર્યા બાદ પોતાના યામાહા YZR બાઇક નંબર GJ 18 ડીએ 4662 લઇને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક પૂરઝડપે આવી રહેલી લાલ કલરની કાર નંબર GJ 27C 2938 કારના ચાલકે બેફામ રીતે ચલાવતા બાઇક લઇને જઇ રહેલા યુવકોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈકના બે ટુકડા થઈ ગયા હતા. આ બંને યુવકો કારની ટક્કર વાગવાથી રોડ ઉપર પટકાયા હતા. કારચાલકે અકસ્માત કર્યા બાદ બાઈક ચાલકને સો ફૂટ જેટલો ઘસેડી રાખ્યો હતો.
ગાંધીનગરમાં બેકાબૂ કારે બાઇકને મારી ટક્કર, એકનું મોત
ગાંધીનગર પાસે આવેલા PDPU રોડ ઉપર રાત્રિના સમયે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. એક કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે ગાંધીનગર જિલ્લાના ગોલવંટા ગામના બે યુવકો એક બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ કાર ચાલકે બાઇકને પણ ટક્કર મારતા બાઈકના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય એકને સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો.
જેમાં આશરે 24 વર્ષીય પ્રકાશ રાજુજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે આશરે 22 વર્ષિય આનંદ કાનાજી ઠાકોરને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં તેની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ લાલ કલરની સ્પાર્ક કારનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી હતી. જ્યારે એક કરતાં વધુ વાહનોને કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. આ બનાવને લઇને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલો યુવક અને ઇજાગ્રસ્ત યુવક દોઢ વર્ષ પહેલા જ નોકરીએ લાગ્યા હતા.