ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને એવોર્ડ સાથે સન્માન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે 34 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં 17 મહિલા શિક્ષકો અને 17 પુરુષ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના હેઠળ લેવાયેલ પરીક્ષામાં પ્રથમ 11 વિધાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોને સંબોધન કર્યું હતું.
શિક્ષકનું કામ ફક્ત ભણાવવાનું નથી, પરંતુ શિક્ષકના હાથમાં દેશનું ભવિષ્ય છે. શિક્ષક જ દેશના બાળકોને સારું શિક્ષણ આપીને ગુજરાત અને દેશને આગળ લઇ જઇ શકે છે. આજના બાળકો જ દેશનું ખરું ભવિષ્ય છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)
લાઠીના શિક્ષકે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય કર્યો : રાજ્ય સરકાર રાજ્ય શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ 34 શિક્ષકોને એવોર્ડ એનાયત કર્યા છે તેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના પ્રાથમિક શિક્ષક સુરેશ નાગલાને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુરેશ નાગવાની કામગીરીની વાત કરવામાં આવે તો આ શાળામાં પહેલા ફક્ત વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે જ આવતા હતાં અને એડમિશન લીધા બાદ એક બે ધોરણ અભ્યાસ કરીને શાળાએ આવતા ન હતાં અને ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઊંચો હતો. ત્યારે સુરેશ નાગલાએ આ રેશિયો ઘટાડવા માટે વર્ષમાં આવતા તમામ તહેવારોમાં બાળકો માટે ખાસ ભેટ અને માતા-પિતા સાથે રહેવા સતત રવિવારના દિવસે ખાસ કલાકો ફાળવતા હતા અને અભ્યાસનું મહત્વ સમજાવતા હતા. ત્યારે હવે આજના દિવસોમાં શાળામાં 100 ટકા નામાંકન સાથે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થઇ ગયો છે. જ્યારે હાલમાં પણ તહેવાર પ્રસંગો બાળકો સાથે જ શિક્ષક ઉજવી રહ્યા છે.