ગાંધીનગરઃ તાલુકાના પેથાપુરમાં જીઇબીના નિવૃત કર્મચારીએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
ગાંધીનગરના પેથાપુરમા રહેતાં GEBનાં નિવૃત કર્મચારીએ લગાવી મોતની છલાંગ - નિવૃત કર્મચારીએ લગાવી મોતની છલાંગ
ગાંધીનગરના પેથાપુર ગામમાં આવેલા આમ્રકુંજ હાઈટ્સ ખાતે પોતાની પત્ની સાથે રહેતાં જીઈબીના નિવૃત કર્મચારીએ બુધવારે બપોરના સમયે પોતાના મકાનના ધાબા ઉપરથી કૂદી આપઘાત કરી લીધો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અહીં પહેલાં માળે જયંતિભાઈ શંભુભાઈ પટેલ (65 વર્ષ) અને પત્ની સાથે રહેતાં હતા. બપોરના સુમારે તેઓ પત્નીને ‘તું જમવાનું બનાવ હું ધાબા પર આંટો મારીને આવું છું’ કહીંને નીકળ્યા હતા. જે બાદ તેઓએ પાંચમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. જેને પગલે પેથાપુર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને જરુરી નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે પૈસા ટકે સુખી દંપતીને કોઈ સંતાન નથી, તેઓ એકલા જ રહેતાં હતા. તો આસપાસના લોકો દ્વારા મળેલી માહિતી પ્રમાણે મૃતક વડીલ બહું ઓછું બોલતા હતા, ઘણીવાર તો પાંચ-છ વખત બોલાવ્યા પછી તેઓ જવાબ આપતા હતા. તેઓના સંગાસંબંધીઓની પણ અવરજવર ઓછી હતી.