ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના ત્રીજા દિવસે આજે રાજ્ય સરકાર ગૃહમાં ઓબીસી સુધારા બિલ પસાર કરશે. જેના સમર્થનમાં આજે ગુજરાત ભાજપ દ્વારા ગાંધીનગરના રામકથા મેદાનમાં ઓબીસી બિલના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત સરકાર એ ઓબીસીની સરકાર હોવાનો આડકતરી રીતે મેસેજ પણ આપ્યો હતો, આમ વિધાનસભા ગૃહમાં બિલ પસાર થાય તે પહેલાં જ મુખ્યપ્રધાન બને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં આ સંમેલન યોજાયું હતું.
ભાજપ બક્ષી પંચ મોરચાએ કર્યું આયોજન : વિધાનસભા ગૃહમાં ઓબીસી સુધારા વિધેયક રજૂ થાય તે પહેલા ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા ગાંધીનગરના સેક્ટર 11 ખાતે આવેલ રામકથા મેદાનમાં બક્ષીપંચ સમાજ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બક્ષીપંચ સમાજને 27 ટકા અનામત આપવાની સરકારે કરેલી જાહેરાતને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકારનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટપ્રધાન કુવરજી બાવળિયાએ પણ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકારે આપણા સમાજની ઈચ્છા પ્રમાણે 27 ટકા અનામત આપી છે અને એનો આપણને હવે લાભ મળવા જઈ રહ્યો છે.
સરકારમાંથી માહિતી લીક થઈ અને કોંગ્રેસે ધરણા કર્યા :આભાર દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ આર પાટીલે સ્ટેજ ઉપરથી નિવેદન આપ્યું હતું કે 27 ટકા ઓબીસી અનામત આપવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય હતો. કોંગ્રેસે ગત મહિને જે વિરોધ કર્યો હતો તે બાબતે પણ ટકોર કરી હતી કે સરકાર માહિતી લીક થઈ અને કોંગ્રેસને ખબર પડી કે ભૂપેન્દ્ર પટેલની સરકાર 27 ટકા અનામત આપવાના છે. એટલે બે દિવસ પહેલાં જ કોંગ્રેસ પક્ષે ધરણા કર્યા હતાં. રાજ્ય સરકારના 27 ટકા ઓબીસી અનામતના નિર્ણયથી કોઈને અન્યાય થશે નહીં અને રાજ્યમાં 49 ટકા જેટલી વસ્તી ઓબીસી સમાજની છે ત્યારે આવનારા સમયમાં ઓબીસી સમાજને વધુ ન્યાય હોદ્દો અને વધારે પદ પણ મળશે.