યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાવા અંગે સામે NSUI મેદાનમાં, કહ્યું- કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાશે? - gujrat in corona
કોરોનાની મહામારીમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ આગામી મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને NSUI મેદાનમાં આવી છે. જિલ્લા NSUI પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપતા કહ્યું કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે, ત્યારે કેવી રીતે સોશિયલ ડિસ્ટંસ જળવાશે. જેના અનેક સવાલો ઉભા થયા છે.

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસને લઈને યુનિવર્સિટીની પરીક્ષાઓ આગામી મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેશે. જેને લઇને NSUI મેદાનમાં આવી છે. જિલ્લા NSUI પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપતા કહ્યું કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે, ત્યારે કેવી રીતે સોશિયલ ડિસ્ટંસ જળવાશે.
ગાંધીનગર જિલ્લા NSUIના પ્રમુખ અમિત પારેખે આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીને લઈને પરીક્ષાઓ લેવામાં આવી નથી, પરંતુ હવે આગામી મહિનામાં પરીક્ષા જાહેર કરવામાં આવી છે. ત્યારે અમારી માગ છે કે, સરકાર આ બાબતે વિચારણા કરીને તમામ વિદ્યાર્થીઓને માર્કસ પ્રમોશન આપે, પરીક્ષાઓ યોજાશે તો અનેક વિદ્યાર્થીઓ કોરોનાનો શિકાર બનશે. હાલમાં સરકાર દ્વારા કલમ 144 લગાવવામાં આવી છે, ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે તો તેનો ભંગ નહીં થાય?
છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી વિદ્યાર્થીઓ પોતાના વતનમાં વસવાટ કરી રહ્યા છે. જ્યારે તેમના પુસ્તકો હોસ્ટેલમાં છે. તેવા સમયે પરીક્ષાઓ યોજવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાવાની પણ શક્યતા જોવા મળી રહી છે. કોરોના વાઇરસને કારણે રાજ્યમાં જોન અસ્તિત્વમાં આવ્યા છે. કયો વિદ્યાર્થી કયા ઝોનમાંથી આવે છે તેની પણ ખબર નહિ પડે.પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થીઓ સંક્રમિત થવાની શક્યતા નકારી શકાતી નથી.
આ પ્રકારના નિર્ણય કરતા પહેલા સરકારે બેસાડેલા પોતાના માનીતાઓના સુચન લેવાની જગ્યાએ વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓના સુચના લેવામાં આવે તો ચોક્કસ તેવા ફળ મળશે. જેને લઇને ગાંધીનગર જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.