ગુજરાત

gujarat

By

Published : Dec 17, 2019, 6:34 PM IST

ETV Bharat / state

રાજ્યમાં વીજચોરીનું પ્રમાણ ઘટયુ હોવાથી બે વર્ષથી વીજ વધારો કરાયો નથી: સૌરભ પટેલ

ગાંધીનગર: રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકો પર વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો છે. વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.

Gandhinagar
Gandhinagar

ઊર્જા પ્રધાન સૌરભ પટેલે કહ્યુ કે, વર્ષ 2020-21 માટે કુલ વસુલાત પાત્ર રાજસ્વની ૨કમ રૂા. 52,389 કરોડ થાય છે, જેની સામે હયાત વીજ દર અને મંજૂર કરેલ વીજ વેચાણ (87,824 મિલિયન યુનિટ્સ) મુજબ વીજ ગ્રાહક પાસેથી થનાર અંદાજીત આવક રૂા. 51,507 કરોડ થાય છે.

વર્ષ 2020-21 માટે હયાત વીજ દર મુજબ ખાધની કુલ રકમ રૂા. 882 કરોડ થાય છે. MYT રેગ્યુલેશન મુજબ આ ખાધની ૨કમ ગ્રાહકના વીજ દ૨માં વધારા રૂપે વસુલ કરવાની થાય છે. આ રૂા. 882 કરોડની ખાદ્યનું ભારણ જો તમામ કક્ષાના વીજ ગ્રાહકના દરમાં સમાન રીતે વધારો સૂચવવામાં આવે તો આશરે રૂા. 0.10 પ્રતિ યુનિટ થાય છે. જયારે આ ભારણ જો ખેત વિષયકે ગ્રાહકો સિવાયના અન્ય તમામ ગ્રાહકો પર લાદવામાં આવે તો આશરે રૂા. 0.13 પ્રતિ યુનિટ થાય છે.

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે કે જ્યાં ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. રાજ્યમાં ખેતી વિષયક વીજ વપરાશ પ્રતિ વર્ષ વધતો જાય છે એની સામે વીજ દરની સબસીડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

સામાન્ય ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા અને વીજ દરના વધારાના ભારણથી મુક્ત રાખવાના આશયથી વીજ વિતરણ કંપનીઓએ વર્ષ 2018-19ના ટ્રુ-અપ અને વર્ષ 2020-21ના વીજ દર નક્કી કરવા માટે વીજ નિયમન આયોગ સમક્ષ દાખલ કરેલ પીટીશન અંતર્ગત વીજ દરમાં કોઈ વધારો માંગેલ નથી, પરંતુ આ રૂા. 882 કરોડનું ભારણ વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતામાં સુધારો જેમ કે વીજ વિતરણ લોસમાં ઘટાડો તથા વીજ ખરીદીમાં ઘટાડો જેવા પગલાથી સરભર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details