શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આંદોલન કરવું એ નબળા લોકોનું કામ નથી. હું તમારી સાથે ન્યાયની લડતમાં છું. તમારા સંગઠનમાં શક્તિ હશે તો કોઈની પણ તાકાત નથી કે, તમને ઝુકાવી શકે.
વિદ્યાર્થી આંદોલનઃ શંકરસિંહે લીધી મુલાકાત, કહ્યું- હું તમારી સાથે છું - વિદ્યાર્થી આંદોલન
ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકથી રાજ્ય સરકારની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોએ ઉંઘ હરામ કરી નાંખી છે. 4 ડિસેમ્બરથી શરૂ થયેલું આંદોલન 24 કલાક બાદ પણ પૂરું થયું નથી. ત્યારે આજે સવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોના હાલ જાણવા માટે મુલાકાત લીધી હતી.
ગાંધીનગર શહેરમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી રોડ ઉપર બેસીને એક જ માંગ કરવામાં આવી રહી છે કે, આ પરીક્ષા રદ કરવામાં આવે. ત્યારે આજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લેતા કહ્યું કે, ગઈકાલથી તમારા આંદોલનને ડામી દેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે હું બહાર હતો અને આજે તમારી પાસે આવ્યો છું.
વધુમાં તેમણે કહ્યું કે, હું સરકારમાં અને રાજ્યપાલને તમારા વિશે વાત કરીશ. તમારા કે તમારા પાંચ આગેવાનો સાથે વાટાઘાટો કરીને નિરાકરણ લાવવામાં આવશે. તમે જે ગુમાવ્યું છે તેનાથી વધારે કશું ગુમાવશો નહીં. હું તમારી સાથે છું અને તમારી લડતમાં ભાગીદાર છું. પરીક્ષા રદ કરવાની વાત છે તો તેને રદ કરી દેવી જોઈએ આટલો સમય લેવો ન જોઈએ.