ગાંધીનગર: ગુજરાતમાં નવરાત્રીના મહોત્સવનું અનોખું મહત્વ હોય છે. નવરાત્રિ શરૂ થાય તેના એક મહિના પહેલા જ અમદાવાદ, રાજકોટ સુરત, બરોડા, જામનગર, ભાવનગર સહિતના તમામ શહેરો અને જિલ્લાઓમાં ગરબાની પ્રેક્ટિસ એક મહિનાથી જ શરૂ થઈ જાય છે. છેલ્લા કેટલાય દિવસોમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને તેમાં યુવાનોના મૃત્યુ પણ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.
એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ ફરજિયાત: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં અને રાજ્યમાં ખૂબ મોટા પાયે અને ખૂબ મોટી સંખ્યામાં એક સાથે રાસ ગરબા રમી રહ્યા હોય તેવા આયોજનમાં આયોજકોએ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ રાખવાનો ફરજિયાત નિર્ણય કરવામાં આવ્યો છે અને આ ગાઇડલાઇન્સ પ્રમાણે જ ગરબા આયોજકોને પરવાનગી મળશે.
ડોક્ટરોની સેવા 24 કલાક કરવાની સૂચના:રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન્સ અનુસાર નજીકના આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબી સુવિધા રહે તે માટે પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમને એલર્ટ ઉપર મૂકવામાં આવી છે આમ ડોક્ટરોની સેવા પણ નવરાત્રીના દિવસો અને રાત્રિના દરમિયાન 24 કલાક મળશે.
15 ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત ગાઈડલાઇન્સના ભંગ બદલ પરવાનગી રદ થશે: અમદાવાદ ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસ દ્વારા નવરાત્રીના આયોજન બાબતે નિવેદન આપવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવશે તે ગાઈડલાઇન્સ ફરજિયાત આયોજકોએ અનુસરવી પડશે. આ ગાઇડલાઇન્સમાં પોલીસ તથા સરકારના અન્ય વિભાગ દ્વારા ગમે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થયું હશે તો આયોજકોની પરવાનગી પણ રદ કરી શકાશે.
- Singer Sheetal Thakor : શીતલ ઠાકોરના કંઠે મન મૂકીને ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ, નોરતાનું કાઉન્ટડાઉન શરૂ
- Navratri 2023: નવરાત્રી 2023માં પર્સનલ બોડીગાર્ડની ડિમાન્ડ વધી, એક દિવસના 3000 રૂપિયા સુધીનો ચાર્જ